ઈઝરાયલે ડોનાલ્ડ ટ્રમ્પને આપી મોટી ભેટ, સમુદાય બાદ શહેરને અમેરિકન પ્રમુખનું નામ આપ્યું
Donald Trump Receives Special Honour From Israel: અમેરિકા અને ઈઝરાયલની મિત્રતા જગજાહેર છે. પછી ભલે તે ઈરાન સામે દુશ્મની જાળવી રાખવાની વાત હોય કે પછી ગાઝા યુદ્ધ દરમિયાન અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હોવા છતાં હથિયારોનો પુરવઠો પૂરો પાડવાની વાત હોય, અમેરિકાએ દરેક પગલે નેતન્યાહૂને સાથ આપ્યો છે. હવે ઈઝરાયલે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સન્માનિત કરવા માટે એક ખાસ ભેટ આપી છે. ઈઝરાયલનું એક શહેર હવે ડોનાલ્ડ ટ્રમ્પના નામથી ઓળખાશે. જુડિયા નામના આ ઈઝરાયલી શહેરમાં, આ વિસ્તારનું નામ અમેરિકન પ્રમુખના નામ પરથી રાખવામાં આવ્યું છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના સન્માનમાં આ સ્થળને 'ટ્રમ્પ વન' (T1) નામ આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 4,000 એકરમાં ફેલાયેલો આ વિસ્તાર અગાઉ E1 અથવા મેવાસેરેટ અદુમિમ તરીકે ઓળખાતો હતો. આ વિસ્તારમાં યહૂદી સમુદાયોમાં ટ્રમ્પ ખૂબ જ લોકપ્રિય છે અને ટ્રમ્પના પ્રમુખ બનવાનો જશ્ન મનાવવા માટે આ એલાન કરવામાં આવ્યું છે. શહેરના મેયર ગાય યિફ્રાચે એલાન કરતા કહ્યું કે, 'ટ્રમ્પનો બીજો કાર્યકાળ ઈઝરાયલી સમુદાયોને વધુ મજબૂત બનાવવા માટે એક સારી તક છે, ખાસ કરીને જુડિયા અને સામરિયામાં. અમને ટ્રમ્પ પર વિશ્વાસ છે કે તેઓ આગામી મહિનાઓમાં આ પ્રદેશમાં વિકાસને પ્રોત્સાહન આપશે.'
ટ્રમ્પના નામથી ઓળખાય છે ગોલાન સમુદાય
તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા કરારો હેઠળ આ વિસ્તાર પર ઈઝરાયલનું નિયંત્રણ છે. હવે ટ્રમ્પના નામથી ઓળખાનારો આ વિસ્તાર મા'લે અદુમિમની સરહદોમાં આવેલો છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર છે જ્યાં આંતરરાષ્ટ્રીય વિરોધ બાદ બાઈડેન વહીવટીતંત્રએ 3,000થી વધુ ઘરો બનાવવાની યોજના પર રોક લગાવી દીધી હતી. ઈઝરાયલમાં એક ગોલન સમુદાયનું નામ પણ પ્રમુખ ટ્રમ્પના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 2019માં ગોલન હાઈટ્સ પર ઈઝરાયલના સાર્વભૌમત્વને માન્યતા આપવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પના એક નિર્ણયથી અમેરિકાની ગર્ભવતીઓ ટેન્શનમાં, વહેલી ડિલિવરી માટે હોસ્પિટલ દોડી
કેમ લોકપ્રિય છે ટ્રમ્પ?
ઉલ્લેખનીય છે કે, ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામનો મોટા ભાગનો શ્રેય ટ્રમ્પને આપવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ઘણા એવા નિર્ણયો લીધા હતા જેનાથી ઈઝરાયલને ફાયદો મળી શક્યો. તેમણે પેલેસ્ટિનિયનોને સહાય પૂરી પાડતી એજન્સી UNRWAને ભંડોળ આપવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના અધિકારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધા હતા.