અમેરિકાની કોર્ટે ટ્રમ્પના મનસૂબા પર પાણી ફેરવ્યું, આ ખાસ નિર્ણય પર લગાવી રોક
Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે પ્રવાસીઓને રોકવાના અને દેશનિકાલમાં તેજી લાવવાની યોજના હેઠળ 1798ના વિદેશી શત્રુ કાયદાના ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. કોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે શનિવારે જ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ કરવાની જાહેરાત કરતા વેનેઝુએલાના એક સંગઠન ટ્રેન ડે અરાગુઆ પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ સંગઠનના કેટલાક સભ્યો ગેરકાયદે રીતે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઘૂસી આવ્યા છે અને તેઓ દેશ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે, તેથી તેમને હાંકી કાઢવા જરૂરી છે.
પાંચ વેનેઝુએલાના નાગરિકોના દેશ નિકાલ પર રોક
શનિવારે પ્રમુખ ટ્રમ્પે આ મામલે જાહેરાત કર્યાના થોડી જ વારમાં કોલંબિયાના ચીફ જસ્ટિસ જેમ્સ ઈ બોસબર્ગે ટ્રમ્પના દેશનિકાલના આદેશને રોકવા માટે નિર્દેશ જારી કર્યો હતો. બોસબર્ગે આ કાયદા હેઠળ પાંચ વેનેઝુએલાઈ નાગરિકોના દેશ નિકાલ પર રોક લગાવી દીધી. એક અહેવાલ પ્રમાણે બોસબર્ગે આ નાગરિકોની સુનાવણી દરમિયાન પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, મને લાગે છે કે હું હવે વધારે રાહ ન જોઈ શકું અને હવે કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. ત્યારબાદ જજે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા.
ટ્રમ્પ વહીવટી તંત્રએ આ પ્રતિબંધાત્મક આદેશને પડકાર્યો
કોર્ટના આદેશ બાદ ટ્રમ્પ વહીવટી તંત્રએ આ પ્રતિબંધાત્મક આદેશને પડકાર્યો છે. તેમણે તર્ક આપ્યો કે જો કોર્ટ પ્રમુખના કોઈપણ કામની જાહેરાત પહેલા જ તેના પર રોગ લગાવી દે છે તો આ કાર્યકારી અધિકારને નબળો બનાવશે. ન્યાય વિભાગે કહ્યું કે, જો કોર્ટ પોતાનો આદેશ યથાવત રાખે છે તો કોર્ટને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા પર કરવામાં આવેલા ઉપાયોને રોકવાની શક્તિ પણ મળી જશે તેથી અમારે તેને રોકી દેવું જોઈએ.
ટ્રમ્પ વહીવટી તંત્ર માટે મુશ્કેલી
હવે કોર્ટના આ નિર્ણય બાદ ટ્રમ્પ વહીવટી તંત્રની જાહેરાતો વધુ કાયદાકીય પડકારોનો સામનો કરવાની સંભાવના વધી ગઈ છે. ટ્રમ્પ દ્વારા દેશ નિકાલ માટે પહેલાં કરવામાં આવેલી અનેક કાર્યવાહીઓ પર પહેલા જ અમેરિકન કોર્ટ વિચાર કરી રહી છે આવી સ્થિતિમાં વધુ એક વિરોધી નિર્ણય ટ્રમ્પ વહીવટી તંત્ર માટે મુશ્કેલી વધારશે. દેશ નિકાલને લઈને ટ્રમ્પ વહીવટી તંત્રએ આ પહેલા જન્મના આધાર પર નાગરિકતાવાળા કાયદા પર રોગ લગાવવાનો આદેશ જારી કર્યો હતો. કોર્ટ તેના પર વિચાર કરી રહી છે બીજી તરફ હાલમાં જ ઈઝરાયેલ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરનારા પેલેસ્ટાઈન વિદ્યાર્થી મહમૂદ ખલીલને દેશ નિકાલ કરવાનો પ્રયાસ વાળા નિર્ણય પર પણ કોર્ટ વિચાર કરી રહી છે.
આ પણ વાંચો: બોલિવૂડના દિગ્ગજ મ્યુઝિશિયન એ.આર.રહેમાનની અચાનક તબિયત લથડી, ચાહકો ચિંતિત
તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન સતત ગેરકાયદે પ્રવાસીઓ સાથે સંબંધિત મુદ્દો ઉઠાવતા આવ્યા છે. તેઓ સતત અમેરિકન સરહદોની સુરક્ષા કરવા અને ગેરકાયદે રીતે દેશમાં પહોંચતા વિદેશી નાગરિકોની બહાર નીકાળવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા રહ્યા છે.