હજુ તો મંત્રી બન્યા પણ નથી અને વિવાદોમાં આવ્યા મસ્ક, પુતિન સાથે ગુપચુપ વાત કરવાનો આરોપ
Elon Musk News: ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદ માટે શપથ લેવાના છે. તેમની જીત પાછળ ટેસ્લાના ફાઉન્ડર અને ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કનો મોટો હાથ હતો. તેમણે સોશિયલ મીડિયા પર મોટાપાયે સમર્થન આપ્યું હતું. પરંતુ ટ્રમ્પના આ નવા મિત્ર મસ્ક ટ્રમ્પના દુશ્મન ગણાતા પુતિન સાથે મિટિંગ કરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે.
અહેવાલો અનુસાર, સ્પેસ એક્સના માલિક મસ્કે રશિયાના અધિકારીઓ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીની મહત્ત્વની જવાબદારી સોંપી છે. જે હાલ એક-બીજાના કટ્ટર દુશ્મન બનેલા દેશો માટે જોખમી છે.
આ પણ વાંચોઃ ગાઝામાં તૈનાત ભારતીય મૂળના સૈનિકનું મોત, ઈઝરાયલે કર્યો હતો હુમલો
રશિયા-યુક્રેનના યુદ્ધથી બંને દેશોનો તણાવ વધ્યો
યુક્રેનના સમર્થક અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધવા પાછળનું કારણ રશિયા-યુક્રેનનું યુદ્ધ છે. અમેરિકાએ રશિયા અને તેના સમર્થક દેશો પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે. ડેમોક્રેટિક સેનેટર્સે ઈલોન મસ્ક દ્વારા વ્લાદિમીર પુતિન સહિત રશિયાના અધિકારીઓ સાથે અનેક વખત વાતચીત કરી હોવાના અહેવાલ મુદ્દે નેશનલ સિક્યોરિટીના આધારે પેન્ટાગન અને લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ પાસે તપાસની માગ કરી છે. અગાઉ ઓક્ટોબરમાં રશિયન અધિકારીઓ સાથે ઈલોન મસ્કની વાતચીતના રિપોર્ટ મુદ્દે તપાસ શરૂ થઈ હતી.
અમેરિકાના સાંસદોએ વિરોધ દર્શાવ્યો
સાંસદોએ લખેલા એક સંયુક્ત પત્રમાં લખ્યું હતું કે, અમેરિકાનો મોટો દુશ્મન રશિયા અને અમેરિકાની સરકારના અબજો ડોલરના લાભાર્થી મસ્ક વચ્ચે વાતચીત ચિંતાનો વિષય છે. ગત મહિને વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ બાદથી અનેક ડેમોક્રેટિક સાંસદોએ પુતિન સાથે મસ્કના સંપર્કની તપાસના આદેશ આપ્યા હતા.