'મારી જીત અમેરિકાની જીત...', 47માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું અમેરિકાના લોકોને પહેલું સંબોધન
US Election Results 2024: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે આ જીત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ નિવેદન જાહેર કરતાં તમામ અમેરિકન મતદારોનો આભાર માનતા કહ્યું કે, ‘હવે હું તમારા પરિવાર અને અમેરિકાના ભવિષ્ય માટે લડીશ.’
ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ ગણાવી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યાં બાદ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે, ‘આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન નાગરિકોનો વિજય છે.’
અમેરિકાને ફરી મહાન બનાવીશું
અમેરિકાના ભવિષ્યની વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘આપણે બધાએ સાથે મળીને આ સાકાર કરી બતાવ્યું છે. આપણે ફરી એકવાર અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવીશું. આપણે સાથે મળીને દેશની દરેક સમસ્યા દૂર કરીશું. હું ઉપરાષ્ટ્રપતિને પણ શુભેચ્છા પાઠવું છું. આપણે દેશની સરહદોને મજબૂત કરીશું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે ગોલ્ડન સાબિત થવાના છે.’
ઇલોન મસ્કના છ મિનિટ સુધી વખાણ
ફ્લોરિડા ખાતે સંબોધન કરતા ટ્રમ્પે પોતાની જીત માટે મહેનત કરનાર તમામ લોકો, પરિવાર, સેનેટર્સ અને અમેરિકાની જનતાનો આભાર માન્યો. ટ્રમ્પે તેમના ભાષણમાં છ મિનિટ સુધી ઈલોન મસ્કના પણ વખાણ કરતા કહ્યું કે તેમણે જોરદાર કેમ્પેઈન કર્યું. ઇલોનના સ્પેસ પ્રોજેક્ટ સ્ટાર લિંક અને રોકેટના ઓટોમેટિક લેન્ડિંગની પણ વાત કરી. ટ્રમ્પે કહ્યું 'ઈલોન મસ્ક સુપર જીનિયસ છે, આપણે આવા સુપર જીનિયસને સાચવવા જ જોઈએ'.
ચૂંટણી પ્રચારમાં મદદ કરનારાનો આભાર
આ દરમિયાન ટ્રમ્પે ઈલેક્શન કેમ્પેઇનમાં તેમને મદદ કરનારા લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ‘સમગ્ર અમેરિકામાં મારી જીત માટે મહેનત કરનારા લોકોનો હું આભાર માનુ છું. રોબર્ડ એફ કેનેડી જુનિયરે પણ પ્રચારમાં ઘણી મદદ કરી. આ તમામ લોકોની ભારે મહેનતના કારણે મારી જીત નિશ્ચિત થઈ છે.'
'કોમન કોર ઓફ કોમન કેર'- ટ્રમ્પ
વૈશ્વિક નીતિઓની વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, 'મારા સમયમાં કોઈ યુદ્ધ નહોતું થયું. ISISIને નાબૂદ કરવાના પણ પ્રયાસ કર્યા હતા. અમે 9 હજાર રેલી કરી, મારા પર હુમલો થયો અને લોકોની પ્રાર્થનાના કારણે મારો જીવ બચ્યો. તમારા માટે કામ કરતા મને કોઈ રોકી નહીં શકે. અમેરિકા અને અમેરિકનની સુરક્ષા મારી મોટી જવાબદારી છે. આપણે ભેગા થઈને તે કામ કરીશું. અમેરિકા ફર્સ્ટના સિદ્ધાંતને આગળ વધારીશું, તેમાં કોઈ બાંધછોડ નહીં કરીએ અને અમેરિકાના ફરી મહાન દેશ બનાવીશું.’