શું ટ્રમ્પ પર જાણી જોઈને હુમલો થવા દેવાયો? રેલીમાં આવેલા લોકોના આરોપથી હડકંપ
Image Source: Twitter
USA Former President Trump Firing Case: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ટ્રમ્પને એક હુમલાખોરે ગોળી મારી જેને સિક્રેટ સર્વિસ સ્નાઈપરે તાત્કાલિક ઠાર કરી દીધો હતો. પરંતુ હવે ટ્રમ્પની સુરક્ષાને લઈને સવાલો ઊઠ્યાં છે. ઘણાં પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે તેઓએ ત્રણથી ચાર મિનિટ પહેલા જ ટ્રમ્પના હુમલાખોર અંગે સિક્રેટ સર્વિસને જાણકારી આપી દીધી હતી.
પ્રત્યક્ષદર્શીઓનો ચોંકાવનારો દાવો
એક પ્રત્યક્ષદર્શીએ આ મામલે જણાવ્યું કે ‘મેં હુમલાખોરને એક ઈમારત પર ચઢતો જોયો હતો. થોડીવાર બાદ બંદૂકધારી એવી સ્થિતિમાં હતો કે, તે પાંચ વખત ટ્રમ્પ પર ગોળી ચલાવી શક્યો હોત. જો કે આ હુમલા પછી સિક્રેટ સર્વિસે હુમલાખોરને માથામાં ગોળી મારી દીધી હતી, પરંતુ ટ્રમ્પની રેલીમાં સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ? આ ઘટનામાં એક સામાન્ય નાગરિકનું પણ મોત થઈ ગયું છે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મેં પોલીસને હુમલાખોર વિશે જણાવ્યું હતું. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે ટ્રમ્પ હજુ પણ કેમ ભાષણ આપી રહ્યા છે. સિક્રેટ સર્વિસે તેમને સ્ટેજ પરથી કેમ ન ઉતાર્યા? ત્યારબાદ જ પાંચ ગોળી છોડવામાં આવી હતી.’
પોલીસ એલર્ટ હોત તો હુમલો જ ના થાત
ફાયરિંગ થતાં જ સિક્રેટ સર્વિસે ટ્રમ્પને ઘેરી લીધા અને તેમને દૂર લઈ જવામાં આવ્યા. ટ્રમ્પના ચહેરા પર લોહી વહી રહ્યું હતું. બાદમાં જાણવા મળ્યું કે ‘તેમના કાન પર ગોળી વાગી છે. બંદૂકધારી ટ્રમ્પથી લગભગ 120 મીટર દૂર હતો. હવે સવાલ એ છે કે એક વ્યક્તિ રાઈફલ લઈને ટ્રમ્પની આટલી નજીક કેવી રીતે પહોંચ્યો?’ અન્ય એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે, ‘જ્યારે મેં પોલીસને હુમલાખોર વિશે જણાવ્યું તો તેમણે કંઈ ન કર્યું. જો પોલીસ એલર્ટ રહી હોત તો હુમલો ટાળી શકાયો હોત.’
આ ઘટના સુરક્ષામાં ખૂબ મોટી ચૂક
આ ઉપરાંત કેટલાક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે, ‘અમે અમારી નજીકની બિલ્ડિંગ પર એક વ્યક્તિને ચઢતી જોઈ હતી. તેની પાસે એક રાઈફલ હતી અને તે પણ અમે જોઈ હતી. અમે તેની તરફ ઈશારો કરી રહ્યા હતા અને પોલીસ નીચે જમીન પર આમતેમ ભાગી રહી હતી. અમે કહી રહ્યા હતા કે છત પર એક વ્યક્તિ રાઇફલ સાથે છે અને પોલીસને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. જો કે, કદાચ છતના ઢાળને કારણે હુમલાખોર નજરે ના પડ્યો હોય, પરંતુ છત પર સિક્રેટ સર્વિસ કેમ ન હતી. આ 100% સુરક્ષાની ચૂક છે.’
આ પણ વાંચો
• અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી
• ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી
• મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન
• મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?
• જ્હોન કેનેડી, ઓબામાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી.. અમેરિકામાં નેતાઓ પર હુમલા થવાની લાંબી છે યાદી