ટ્રમ્પ એફીશ્યન્સી ડીપાર્ટમેન્ટ નામનું નવું ડીપાર્ટમેન્ટ રચશે : મસ્ક અને રામાસ્વામી તે ડીપાર્ટમેન્ટ સંભાળશે
- તેઓ નોકરશાહી, નિરર્થક નિયમનો, ખોટા ખર્ચાઓ હટાવી ફેડરલ એજન્સીને પુનર્ગઠિત કરી કાર્યક્ષમ કરશે, 4 જુલાઈ 2026ની સમયરેખા છે
નવી દિલ્હી : અમેરિકાના નવનિર્વાચીત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખપદના રીપબ્લિકન પાર્ટીના પૂર્વ ઉમેદવાર વિવેક રામાસ્વામી અને ટેસ્લાના માલિક એલોન મસ્ક નવા રચાનારા 'એફીશ્યન્સી ડીપાર્ટમેન્ટ' (કાર્યક્ષમતા વિભાગ) ઉપર દેખરેખ રાખશે તેઓ નોકરશાહીમાં પેસી ગયેલી ઉદાસીનતા દૂર કરશે, ખોટા ખર્ચા બંધ કરશે અને ફેડરલ એજન્સીઝનું પુર્નગઠન કરી તેને વધુ કાર્યક્ષમ બનાવશે.
નવ નિર્વાચિત પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે તેઓને તેમનું કાર્ય પુરૂ કરવા માટે ૪ જુલાઈ ૨૦૨૬ની સમય મર્યાદા આપવામાં આવી છે. તે દિવસે અમેરિકાનાં રાજ્યોએ સંયુક્ત બની સ્વાતંત્ર્યની ઘોષણા કરી હતી. તેને ૨૫૦ વર્ષ પૂરા થશે. (૧૭૭૬ની ૪થી જુલાઈએ અમેરિકાનાં ૧૩ રાજ્યોએ સ્વયમેવ 'સ્વાતંત્ર્ય'ની ઘોષણા કરી હતી) તે દિવસે તેઓ દેશને આ અમૂલ્ય ભેટ આપશે.
આ નિયુક્તિ ખાનગી ક્ષેત્રના ટ્રમ્પના બે મજબૂત સમર્થકોને તેઓએ કરેલી સહાયના બદલામાં કરવામાં આવી હોય તેમ વિશ્લેષકો માને છે. એલોન મસ્કે તો ચૂંટણી પ્રચાર માટે ટ્રમ્પને કરોડો ડોલર્સ આપ્યા હતા, જ્યારે રામાસ્વામી પહેલા પક્ષની પ્રાયમરીઝમાં ટ્રમ્પ સામે ઉભા રહ્યા હતા, પરંતુ પછીથી પાછા હઠી ટ્રમ્પના પ્રબળ સમર્થક બની રહ્યા હતા. રામાસ્વામી યુ.એસ.માં દવાના ક્ષેત્રે મોટી કંપનીઓ સ્થાપી છે.
ટ્રમ્પે કહ્યું વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિને હું સરકારમાં કાર્યક્ષમતા વધારવાની જવાબદારી સોંપુ છું.
ઉલ્લેખનીય છે કે ટૂંકા અક્ષરોમાં કહેવાનું, ડીઓજીઈ (ડોગી) તે મસ્કે વહેતી મુકેલી 'ક્રીપ્ટો કરન્સી' 'ડોલે-કોઈન'નું સમાન વાચક બની રહ્યું છે.
મસ્કે આ યોજનાને વીતેલા વર્ષોના 'મેનહટન-પ્રોજેક્ટ' તરીકે સરખાવી હતી. તે સર્વવિદિત છે કે, આ 'મેનહટન પ્રોજેક્ટ' તે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવાયેલા 'એટમ બોમ્બ' માટેના કાર્યક્રમ અંગે વાપરવામાં આવ્યો હતો.
નિરીક્ષકો કહે છે કે મસ્કે કરેલો 'મેનહટન-પ્રોજેક્ટ' શબ્દ પ્રયોગ અને દ્વિતીય વિશ્વ યુદ્ધનો કરેલો ઉલ્લેખ થોડામાં ઘણું કહી જાય છે. શું આ મહામેધાવી તૃતીય વિશ્વયુદ્ધની સંભાવના દૂર ક્ષિતિજે જોઈ રહ્યા છે ?