ટ્રમ્પે કોર્ટનો નિર્ણય પણ ન માન્યો, જજના આદેશનો કર્યો અનાદર, હજારો ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા
Trump Immigrants Deportation News: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ કોર્ટનો નિર્ણય પણ માની રહ્યા નથી. ફેડરલ કોર્ટના જજે ડિપોર્ટેશન પર રોક લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં ટ્રમ્પ સરકારે સેંકડો ઇમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે. આ ડિપોર્ટેશન પ્રક્રિયા કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં હાથ ધરાઈ હતી.
ટ્રમ્પ સરકારનો લૂલો બચાવ
ડોનાલ્ડ ટ્રમ્પની કોર્ટનો આદેશ ન માનવા બદલ ચારેકોર ટીકાઓ થઈ રહી છે, એવામાં ટ્રમ્પ સરકારે પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું કે, આ ડિપોર્ટેશન પ્રક્રિયા એવા સમયે હાથ ધરાઈ હતી, જ્યારે કોર્ટ ચુકાદો આપી રહી હતી. કોર્ટનો ચુકાદો જાહેર થાય તે પહેલાં જ આ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરતું વિમાન ટેક-ઑફ થઈ ચૂક્યુ હતું.
બે વિમાનમાં ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા
રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઈ બોસબર્ગે શનિવારે ઇમિગ્રેશન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો. જો કે, ટ્રમ્પ સરકારે બે વિમાનમાં ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા. આ બાબતે ટ્રમ્પના વકીલોએ જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનને લઈને બે વિમાન પહેલાં જ ટેક-ઓફ થઈ ગયા હતા. જેમાં એક અલ સાલ્વાડોર અને એક હોન્ડુરાસમાં ડિપોર્ટ થયું હતું.
આ પણ વાંચોઃ સૈન્યના કાફલા પર BLAના હુમલાથી પાકિસ્તાન થરથર્યું, આત્મઘાતી હુમલાનો જુઓ VIDEO
વિમાન પરત લાવવા આદેશ
ચુકાદા બાદ પણ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાની જાણ થતાં જજે મૌખિક રૂપે આ બંને વિમાનોને પરત લાવવાનો આદેશ આપ્યો હતો. જો કે, આ બંને વિમાન અલ સાલ્વાડોર અને હોન્ડુરાસમાં પહોંચી ચૂક્યા હોવાથી અધિકારીઓએ જજના મૌખિક આદેશનું પણ પાલન કર્યું નથી.
ટ્રમ્પે જજનું માન જાળવ્યું નહીં
ટ્રમ્પ સરકારની કોર્ટના આદેશ વિરુદ્ધની કાર્યવાહી પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના લૉ સેન્ટરના પ્રોફેસર સ્ટીવ વ્લાડેકે જણાવ્યું કે, બોસબર્ગે જે આદેશ આપ્યા હતા. તેમાં લેખિતમાં વિમાન પાછા લાવવાનો ઉલ્લેખ નથી. પરંતુ મૌખિક રૂપે તેમણે વિમાન પાછા લાવવા કહ્યું હતું. પરંતુ ટ્રમ્પ સરકારે તેનું પણ પાલન કર્યુ નથી. ટ્રમ્પના આ વલણથી જજના આદેશનું માન જળવાયું નથી. જજના નિર્ણયનું અપમાન કર્યું.