Get The App

કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્યા ! 25% ટેરિફ લાદવાનો નિર્ણય 1 મહિના માટે પડતો મૂક્યો

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
donald-trump


US Tariff On Canada-Mexico: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટા ઉપાડે શનિવારે પડોશી દેશો મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરીને દુનિયાભરમાં ગભરાટ ફેલાવી દીધો હતો. ટ્રમ્પના આ આદેશનો અમલ મંગળવારથી થવાનો હતો. જો કે, આ પહેલાં જ ટ્રમ્પે ટેરિફ વોરની અમેરિકા પર સંભવિત અસરોથી તેના અમલ પહેલાં જ પીછેહઠ કરી છે. મેક્સિકો પછી હવે કેનેડા પર પણ 25% ટેરિફનો અમલ એક મહિનો પાછો ઠેલાયો છે.

જાહેર કરેલા ટેરિફના અમલને 30 દિવસ માટે રોકી દેવાશે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાત કર્યા પછી કેનેડા પર 25% ટેરિફ લાદવાના આદેશનો અમલ એક મહિના માટે અટકાવી દીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું, હું આ પ્રારંભિક પરિણામથી ખૂબ જ ખુશ છું અને શનિવારે જાહેર કરેલા ટેરિફના અમલને 30 દિવસ માટે રોકી દેવાશે, જેથી જોઈ શકાય કે કેનેડા સાથે અંતિમ આર્થિક સોદો થઈ શકે છે કે નહીં. 

ફેન્ટાનાઇલની દાણચોરીને રોકવા તરફના પગલાં

કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે X પર પોસ્ટમાં કહ્યું કે, અમારી સરકાર ફેન્ટાનાઇલ માફિયાઓનું નામ જણાવશે, મેક્સિકન કાર્ટેલને આતંકી જૂથોના રૂપમાં લિસ્ટ કરશે અને સંગઠિત ગુનાઓ, ફેન્ટાનાઇલ અને મની લોન્ડરિંગનો સામનો કરવા માટે કેનેડા-યુએસ જોઇન્ટ સ્ટ્રાઇક ફોર્સ શરુ કરશે. 

ટ્રુડોની ચેતવણી

જો કે, આ પહેલા ટ્રમ્પે શનિવારે કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ કેનેડાએ પણ અમેરિકાના ઉત્પાદનો પર વળતો ટેરિફ લડવાની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહિ ઓન્ટેરિયો રાજ્યએ તો અમેરિકન સામાનને દુકાનમાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. 

આ પણ વાંચો: અમેરિકાએ કાઢી મૂકેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો આજે વતન પરત ફરશે

ઓન્ટેરિયોએ અમેરિકન કંપનીઓ સાથે સરકારી કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી સૌથી મોટો ઝટકો ટ્રમ્પના અત્યયંત વિશ્વાસુ ઇલોન મસ્કને પડ્યો છે. કેનેડાના આ નિર્ણય સાથે ઇલોન મસ્ક સ્ટારલિંક સાથે કેનેડાનો 100 મિલિયન ડૉલરનો સોદો રદ થઈ જશે. 

સ્ટારલિંક સાથે કેનેડાના અંતરિયાળ વિસ્તારોમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે ગયા વર્ષે સમજૂતી થઈ હતી. ઓન્ટોરિયોના પ્રીમિયર ડગ ફોર્ડે કહ્યું હતું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા પરના ટેરિફ હટાવશે નહીં ત્યાં સુધી આ બધા પ્રતિબંધો લાગુ રહેશે. અમેરિકન રાજ્યમાંથી દારૂ ખરીદવામાં નહિ આવે. 

કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્યા ! 25% ટેરિફ લાદવાનો નિર્ણય 1 મહિના માટે પડતો મૂક્યો 2 - image



Google NewsGoogle News