ડોનાલ્ડ ટ્રમ્પ વોટ આપી શકશે, પરંતુ હથિયાર રાખી શકશે નહીં
- હશ મની કેસના ચૂકાદાની ટ્રમ્પ પર અસર
- ટ્રમ્પે ન્યૂયોર્કની ક્રિમિનલ ડેટા બેન્કમાં અન્ય ગૂનેગારોની જેમ ડીએનએ સેમ્પલ આપવા પડશે
ન્યૂયોર્ક : અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્કની મેનહટન કોર્ટે હશ મની કેસમાં કોઈપણ સજા કે દંડ કર્યા વિના ભલે છોડી મૂક્યા, પરંતુ કોર્ટે તેમને ૩૪ ગૂના માટે દોષિત ઠેરવ્યા છે. આ સાથે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં પહેલા 'ક્રિમિનલ' પ્રમુખ બની ગયા છે. જોકે, આ સિવાય પણ ટ્રમ્પના અનેક અધિકારો છીનવાઈ જશે.
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં કોર્ટે કોઈપણ સજા કે દંડ કર્યા વિના છોડી મૂક્યા છે અને કેસ ખતમ કરી નાંખ્યો છે. કોર્ટના આ ચૂકાદાના પગલે ટ્રમ્પ માટે ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે, આ ચૂકાદાની ટ્રમ્પ પર અનેક અસરો પડશે. આ કેસોમાં હવે ટ્રમ્પ દોષમુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ વોટ તો આપી શકશે, પરંતુ ન્યૂયોર્કની ક્રિમિનલ ડેટા બેન્કમાં તેમણે અન્ય ગૂનેગારોની જેમ તેમના ડીએનએ સેમ્પલ આપવા પડશે.
ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા રાજ્ય અને ન્યૂયોર્ક રાજ્યના મતદારો અંગેના જટિલ કાયદાઓ છતાં મતદાન કરવાથી વંચિત નહીં રહે. જોકે, ટ્રમ્પ ફેડરલ કાયદા મુજબ કોઈ હથિયાર રાખી નહીં શકે. દારૂનું લાઈસન્સ નહીં મેળવી શકે. તેઓ કેસિનોનો બિઝનેસ પણ નહીં કરી શકે. ફેડરલ કાયદા મુજબ ગુનાઈત રેકોર્ડ ધરાવતી વ્યક્તિને ગેમિંગનું લાઈસન્સ નથી મળતું. ટ્રમ્પની અનેક હોટેલો છે, જ્યાંની રેસ્ટોરાંમાં દારૂ પીરસવામાં આવે છે અને કેસિનો પણ છે. પરંતુ તેમનો બિઝનેસ કંપનીના નામે છે તેથી ટ્રમ્પના દોષિત ઠરવાથી તેના પર કોઈ અસર નહીં થાય.