ગાઝા પણ ખરીદવા માગે છે ટ્રમ્પ, અમેરિકામાં પેલેસ્ટિનિયનને એન્ટ્રી અને અરબ દેશો માટે ઑફર
Trump Wants To Buy Gaza: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગાઝા ખરીદવાની જાહેરાત કરી છે. જેના માટે ટ્રમ્પે પ્લાન પણ તૈયાર કર્યો છે. ટ્રમ્પે ગાઝા ખરીદી તેના પર માલિકી હક ભોગવવાની જાહેરાત કરી હતી. તેમજ ગાઝાના અમુક હિસ્સાના રિકંસ્ટ્રક્શન માટે મધ્ય-પૂર્વના અમુક દેશોને તેમાં સામેલ કરવાની તૈયારી પણ દર્શાવી છે.
ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું ગાઝા ખરીદવા માંગુ છું. જ્યાં સુધી ગાઝાના પુનઃનિર્માણનો સવાલ છે, તો અમે તેની જવાબદારી મધ્ય-પૂર્વના દેશોને સોંપી શકીએ છીએ. પરંતુ અમે ગાઝા પર સંપૂર્ણપણે માલિકી મુદ્દે પ્રતિબદ્ધ છીએ અને હમાસ અહીં ફરી પગપેસારો ન કરે તેની ખાતરી કરીશું.
યુદ્ધ બાદ ગાઝા પટ્ટી ખંડેર બન્યું
ટ્રમ્પ નેશનલ ફુટબોલ લીગ સુપર બોલ ચેમ્પિયનશીપમાં હાજરી આપતાં ન્યૂ ઓર્લિન્સ ખાતે આ અંગે જણાવ્યું હતું. ગાઝાના આ પ્લાન મુદ્દે ટ્રમ્પ અડગ વલણ ધરાવે છે. ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલના યુદ્ધ બાદ આ સ્થળ લગભગ ખંડેર બન્યું છે. આથી, તેનુ પુનઃનિર્માણ આવશ્યક બન્યું છે.
USAમાં પેલેસ્ટાઇનવાસીનો પ્રવેશ?
ટ્રમ્પે અમુક પેલેસ્ટાઇનના લોકોને અમેરિકામાં પ્રવેશની સંભાવનાઓ પર જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે વિચાર કરીશું. અમુક પેલેસ્ટાઇનના શરણાર્થીઓને અમેરિકામાં એન્ટ્રી આપી શકીએ છીએ.
હમાસે વિરોધ કર્યો
હમાસના પોલિટિકલ બ્યૂરોના સભ્ય ઈજ્જત અલ-રશ્કે ટ્રમ્પની ગાઝા ખરીદવાની યોજનાનો વિરોધ કરતાં કહ્યું કે, ગાઝા ખરીદવા કે વેચવાની પ્રોપર્ટી નથી. તે પેલેસ્ટાઈનના લોકોનો અભિન્ન હિસ્સો છે. પેલેસ્ટાઇનવાસીઓ ટ્રમ્પની આ યોજનાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવશે.
ગાઝા મુદ્દે ટ્રમ્પનો પ્લાનઃ
1. પેલેસ્ટાઇનવાસીઓને ગાઝા પટ્ટી ખાલી કરવા આદેશ. જોર્ડન-મિસ્ર સહિત અન્ય દેશોને શરણું આપવા અપીલ
2. ગાઝા પર નિયંત્રણ હાંસલ કરી ત્યાં ઉપલબ્ધ જોખમી બોમ્બ, હથિયારોને નષ્ટ કરી, કાટમાળ દૂર કરી નવી ઇમારતો બાંધી પુનઃનિર્માણ કરવું
3. ગાઝામાં પુનઃનિર્માણ બાદ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી Riviera of Middle Eastમાં તબદીલ કરવું
4. હમાસના આતંકીઓનો ખાતમો બોલાવી તેમને ફરી ક્યારેય ગાઝામાં પ્રવેશ ન આપવા પર જોર.