ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશમાંથી એક, ત્યાં વેપાર કરવો અઘરો: ટ્રમ્પ
US Tariff On India: વડાપ્રધાન મોદી સાથેની બેઠકના થોડા કલાકો પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું ટેરિફ જાહેર કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ભારત સૌથી વધુ ટેરિફ લગાવે છે અને એટલા માટે આંખના બદલે આંખની નીતિ અપનાવવામાં આવશે. ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે.'
હાર્લી ડેવિડસન બાઇક ભારતમાં વેચી શકાતી નથી: ટ્રમ્પ
રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, 'પરંપરાગત રીતે, ભારત આ બાબતમાં ટોચ પર છે. કેટલાક નાના દેશો છે જે ખરેખર આનાથી વધુ છે, પરંતુ ભારતે ઘણા બધા ટેરિફ લગાવ્યા છે. મને યાદ છે કે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં પોતાની મોટરસાયકલ વેચી નહોતું શકતું, કારણ કે ભારતમાં ટેક્સ ખુબ વધારે હતો, ટેરિફ ખૂબ વધારે હતો, પરંતુ મને લાગે છે કે તેણે ટેરિફ ચૂકવવાનું ટાળવા માટે ભારતમાં એક ફેક્ટરી બનાવી છે અને તે જ લોકો અમારી સાથે કરી શકે છે. તેઓ અહીં એક પ્લાન્ટ અથવા અહીં જે પણ હોઈ શકે છે તે બનાવી શકે છે અને તેમાં તબીબી, કાર, ચિપ્સ અને સેમિકન્ડક્ટર્સ સામેલ છે.'
'જો કોઈ અમારા પર ટેરિફ લગાવશે તો અમે પણ લગાવીશું'
ટ્રમ્પે કહ્યું, 'ખૂબ જ સરળ શબ્દોમાં સમજો કે જો કોઈ અમારી પાસેથી ટેક્સ લેશે તો અમે પણ તેમની પાસેથી ટેક્સ લઈશું.' આ કહીને, તેમણે સ્પષ્ટ કરી દીધું કે તે શા માટે રેસિપ્રોકલ ટેરિફને લાગુ કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યું કે, 'વ્યવસાયની બાબતમાં, મેં નક્કી કર્યું છે કે હું નિષ્પક્ષતાના હેતુ માટે પરસ્પર ટેક્સ લગાવીશ. જેનો અર્થ છે કે, જે પણ દેશો યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા પાસેથી ટેક્સ લેશે અમે તેમની પાસેથી ટેક્સ લઈશું. - ન તો વધારે કે ઓછા. તેઓ અમારી પાસેથી ટેક્સ અને ટેરિફ વસૂલે છે, આ ખુબ જ સરળ છે કે અમે તેમની પાસેથી બિલકુલ એવી જ રીતે વસૂલીશું.'
'ટેરિફ પ્લાન તાત્કાલિક અસરથી લાગુ નહીં થાય'
જો કે, સીએનએન અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ થશે નહીં. તેનાથી અન્ય દેશો સાથે સંભવિત વ્યવસાયિક વાટાઘાટો માટે સમય મળી જશે.