હું સત્તા પર આવીશ તો મુસ્લિમ દેશોના લોકોના અમેરિકામાં પ્રવેશવા પર ફરી બેન મુકીશઃ ટ્રમ્પ
Image Source: Twitter
વોશિંગ્ટન, તા. 29 ઓક્ટોબર 2023
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ફરી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવાર બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ છે કે, હું જો ફરી સત્તા પર આવ્યો તો કેટલાક મુસ્લિમ દેશોના લોકો પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવીશ.
શનિવારે રિપબ્લિકન જ્યુઈશ કોએલિએશનના કાર્યક્રમમાં હાજર રહેલા ટ્રમ્પે કહ્યુ હતુ કે, અમારી સરકારે જે પ્રતિબંધ લગાવ્યા હતા તે તો તમને યાદ છે ને? તેનુ કારણ એ હતુ કે, મારી સરકાર નહોતી ઈચ્છતી કે અમેરિકામાં એવા લોકો આવે જે નુકસાન પહોંચાડવાની વિચારધારાને પસંદ કરતા હોય. એક દિવસ હું આ પ્રતિબંધને ફરી લાગુ કરીશ.
ટ્રમ્પે આગળ કહ્યુ હતુ કે, મારી સરકારના કાર્યકાળમાં ચાર વર્ષ દરમિયાન દેશમાં એક પણ ખરાબ ઘટના બની નહોતી. કારણકે ખરાબ લોકોને દેશની બહાર રાખ્યા હતા. જે દેશમાં હતા તેમને કાઢી મુકયા હતા.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 2017માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈરાન, લિબિયા, સોમાલિયા, સિરિયા, યમન, ઈરાક તેમજ સુડાના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર બેન મુકયો હતો.
ટ્રમ્પે હમાસ સામેના જંગમાં ઈઝરાયેલને સમર્થન હોવાનુ કહ્યુ હતુ અને કહ્યુ હતુ કે, બાઈડન સરકારે ઈરાન માટે જે તૃષ્ટિકરણની નીતિ અપનાવી છે તે મારી સરકાર આવ્યા બાદ પલટી નાંખવામાં આવશે.
દરમિયાન વ્હાઈટ હાઉસે ટ્રમ્પના નિવેદનની નિંદા કરીને કહ્યુ છે કે, નફરત ફેલાવવાની જગ્યાએ અત્યારે નફરત સામે એક થવાની જરુર છે.રાષ્ટ્રપતિ બાઈડને સત્તા પર આવ્યા બાદ મુસ્લિમો પ્રતિ ધૃણાની ભાવના ફેલાવવા સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે.