Get The App

ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ આપ્યો

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ આપ્યો 1 - image


Donald Trump Tariff Announcement: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો સામે ટેરિફની જાહેરાત કરી દીધી છે. ટેરિફની જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'આ ''મુક્તિ દિવસ'' છે, એક એવો દિવસ જેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.' આપણા દેશને અન્ય દેશોએ લૂંટ્યો છે. કરદાતાઓને 50 વર્ષ કરતાં વધુ સમયથી લૂંટવામાં આવી રહ્યા છે પરંતુ હવે આવું નહીં થશે.

ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકન પ્રમુખે કહ્યું કે, 'હું વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદતાં ઐતિહાસિક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યો છું. રેસિપ્રોકલનો અર્થ એ છે કે તેઓ આપણી સાથે જેવું કરશે, તેવું જ આપણે તેમની સાથે કરીશું.' નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34 ટકા, યુરોપિયન યુનિયન પાસેથી 20 ટકા, જાપાન પાસેથી 24 ટકા અને ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસૂલશે. 

હવે ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે અને વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ચાલો તમને જણાવીએ કે કોણે શું કહ્યું.

કેનેડા જવાબી કાર્યવાહી કરશે

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ સામે અમારો દેશ જવાબી કાર્યવાહી કરશે. મીડિયા સાથે વાત કરતાં પીએમ કાર્નીએ કહ્યું કે કેબિનેટ બેઠકમાં અમેરિકાને કેવી રીતે જવાબ આપવો તેની ચર્ચા કરવામાં આવશે. 

આ મિત્રનું કામ નથી

અમેરિકન ટેરિફ અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે 'આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના લોકો આ સંબંધને કેવી રીતે જુએ છે તેના પર અસર કરશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ કોઈ મિત્રનું કામ નથી.'

શું છે બ્રિટનનું સ્ટેન્ડ?

અમેરિકાએ બ્રિટન પર 10% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. બ્રિટને અમેરિકાના ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફનો સંયમપૂર્વક જવાબ આપ્યો છે. બ્રિટને કહ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

અમેરિકાનું આ પગલું ખોટું

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મેલોનીએ EU સામેના નવા 20% ટેરિફને "ખોટો" ગણાવતાં કહ્યું કે, 'તેનાથી કોઈપણ પક્ષને ફાયદો નહીં થશે. મેલોનીએ ફેસબુક પર પોસ્ટ કરતાં કહ્યું કે, અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર યુદ્ધ ટાળવા માટેના કરાર તરફ કામ કરવા માટે તમામ પ્રયાસો કરીશું.' 

બ્રાઝિલે શું કહ્યું?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલ પર 10% ટેરિફ લગાવ્યો છે. બ્રાઝિલ સરકારે કહ્યું કે, અમે અમેરિકાના આ નિર્ણયનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. યોગ્ય જવાબી પગલાં લેવા પર વિચારી રહ્યા છીએ.

આ વર્લ્ડ ઈકોનોમી માટે ગંભીર

નોર્વેના વેપાર અને ઉદ્યોગ મંત્રી સેસિલી માયરસેથે કહ્યું કે, 'અમે ગણતરી કરી રહ્યા છીએ અને શું થયું છે તે જોઈ રહ્યા છીએ પરંતુ એ સ્પષ્ટ છે કે આ વર્લ્ડ ઈકોનોમી માટે ગંભીર છે. તે અમારા પર પણ અસર કરશે.' 

સ્વીડનનું શું રહ્યું સ્ટેન્ડ

સ્વીડિશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'સ્વીડન મુક્ત વેપાર અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ઊભું રહેશે.'

દક્ષિણ કોરિયા શું કરશે?

દક્ષિણ કોરિયાના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, 'દક્ષિણ કોરિયાના કાર્યકારી વડાપ્રધાન હાન ડક-સૂએ અધિકારીઓને કહ્યું છે કે તમે નવા 25 ટકા ટેરિફની સંભવિત અસરનું વિશ્લેષણ કરવા માટે વ્યવસાયિક જૂથો સાથે કામ કરો જેથી નુકસાન ઓછામાં ઓછું કરી શકાય.'

આ પણ વાંચો: સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ

ચીને શું કહ્યું?

ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, 'ચીન પોતાના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે કડક પ્રતિકૂળ પગલાં લેશે.' જોકે, ચીને જવાબમાં શું પગલાં લઈ શકે છે તે અંગે વિસ્તૃત માહિતી નથી આપી. ચીને કહ્યું, 'ચીન અમેરિકાને તેમના તાત્કાલિક એકપક્ષીય ટેરિફ પગલાં રદ કરવા અને સમાન વાટાઘાટો દ્વારા પોતાના વેપાર ભાગીદારો સાથેના મતભેદોને યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે વિનંતી કરે છે.'

શું રહ્યું મેક્સિકોનું સ્ટેન્ડ?

મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શિનબામે કહ્યું કે, 'અમે ટ્રમ્પની જાહેરાતની મેક્સિકો પરની અસરનું મૂલ્યાંકન કરીશું.'

શું બોલ્યા ચિલીના પ્રમુખ?

ભારત પ્રવાસે આવેલા ચિલીના પ્રમુખ ગેબ્રિયલ બોરિકે ભારતમાં એક વેપાર મંચ પરથી ચેતવણી આપી છે કે, 'આવા પગલાં અનિશ્ચિતતા ઊભી કરવા ઉપરાંત, પરસ્પર સંમત નિયમો અને આંતરરાષ્ટ્રીય વેપારને સંચાલિત કરતાં સિદ્ધાંતોને પણ પડકારે છે.'

Tags :