ચીન, કેનેડા બાદ ટ્રમ્પે આ દેશને વારો પાડ્યો, ફન્ડિંગ જ અટકાવી દેવાની ધમકી, જાણો શું છે મામલો
Donald Trump On South Africa: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હવે દક્ષિણ આફ્રિકા પર છે. તેમણે દક્ષિણ આફ્રિકા પર અમુક શ્રેણીના લોકો સાથે ખૂબ જ અન્યાયી વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. એના માટે તેઓ કડક પાઠ ભણાવવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકા જમીનો જપ્ત કરી રહ્યું છે અને ચોક્કસ વર્ગના લોકો સાથે ખૂબ જ અન્યાયી વર્તન કરી રહ્યું છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ત્યાંનું ડાબેરી મીડિયા આ બધુ બતાવતું નથી.'
જાણો શું છે વિવાદ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, 'મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અમેરિકા ક્યારેય આ વાતનું સમર્થન કરશે નહીં. અમે આ અંગે કાર્યવાહી કરીશું. આ ઉપરાંત અમે ભવિષ્યમાં અપાતી બધી નાણાકીય સહાય બંધ કરીશું. અમારી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.' નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાનું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'અમેરિકન પ્રમુખ અમારા દેશના સંબંધો વિશે ચિંતિત નથી. મે ટ્રમ્પ સાથે વાત કરી હતી અને ભવિષ્યમાં અમારા વહીવટીતંત્ર સાથે કામ કરવા આતુર છે.'
'આફ્રિકન દેશમાં શ્વેત ખેડૂતોની મોટા પાયે હત્યા'
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન આફ્રિકન દેશમાં શ્વેત ખેડૂતોની મોટા પાયે હત્યા અને તેમની જમીન પર હિંસક કબજો કરવાના આરોપોની તપાસ કરવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પે 2018માં કહ્યું હતું કે, 'મે તત્કાલીન વિદેશ સચિવ માઇક પોમ્પિયોને આ મુદ્દાનો અભ્યાસ કરવા કહ્યું હતું. દક્ષિણ આફ્રિકા હવે વળતર વિના જમીન જપ્તી લાગુ કરી રહ્યું છે. તે ખૂબ જ ખતરનાક છે. શ્વેત ખેડૂતોની લક્ષિત હત્યાના આરોપો દક્ષિણ આફ્રિકાના જમીન પુનઃવિતરણના ચાલુ પ્રયાસોમાં મૂળ ધરાવે છે.'
આ દેશો સાથે ટેરિફ યુદ્ધ શરૂ થઈ ગયું
ઉલ્લેખનીય છે કે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીન પર મોટા કર લાદવાની જાહેરાત કરી છે. આનાથી વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્રણેય દેશોએ ટ્રમ્પના વલણની ટીકા કરી છે અને કડક પ્રતિક્રિયા આપવાની તૈયારી કરી રહ્યા છે. ચીને આ મામલો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં લઈ જવાની ચેતવણી પણ આપી છે.