Get The App

ટ્રમ્પની ધમકીથી ભડક્યા ગ્રીનલેન્ડના PM, વેન્સ દંપતીને મોકલવાનો કર્યો વિરોધ

Updated: Mar 24th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પની ધમકીથી ભડક્યા ગ્રીનલેન્ડના PM, વેન્સ દંપતીને મોકલવાનો કર્યો વિરોધ 1 - image


US President Donald Trump - Greenland PM Múte Egede : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ અનેક વિવાદીત નિર્ણયો લેતા અનેક દેશો ગુસ્સે ભરાયા છે. તેમણે પ્રમુખ બનતા જ ભારત, ચીન, કેનેડા સહિત અનેક દેશો સાથે ટેરિફ વૉર છંછેડી છે. આ ઉપરાંત તેમણે કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવા દબાણ કર્યા બાદ હવે આવું દબાણ ગ્રીનલેન્ડ પર કરી રહ્યા છે, જેના કારણે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યૂટ એગેડ નારાજ થયા છે.

વેન્સ દંપતીને ગ્રીનલેન્ડ મોકલવાના નિર્ણયથી ભડક્યા PM એગેડ

વાસ્તવમાં ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે કુદકા મારી રહ્યા છે. આ જ ક્રમમાં તેમણે ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સની પત્ની ઉષા વેન્સ અને એક અમેરિકન પ્રતિનિધિમંડળને આ સપ્તાહે ગ્રીનલેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે, જેનો ગ્રીનલેન્ડના વડાપ્રધાને વિરોધ કરી કહ્યું કે, ‘ટ્રમ્પનો આ નિર્ણય ખૂબ જ આક્રમક વલણ સમાન છે.’ પીએમ એગેડે અમેરિકા પર ગ્રીનલેન્ડના રાજકીય મામલામાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ કર્યો છે.

વ્હાઈટ હાઉસે શું કહ્યું?

વ્હાઈટ હાઉસે રવિવારે જાહેર કરી છે કે, ‘અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ, પત્ની ઉષા વેન્સ અને પુત્ર એક અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે આ સપ્તાહે ગ્રીનલેન્ડની મુલાકાત કરશે.’ અમેરિકાના આ નિર્ણય પર પીએમ એગેડે કહ્યું કે, ‘પ્રતિનિધિમંડળમાં અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વાલ્ટ્ઝ પણ સામેલ થશે.’

PM એગેડે અમેરિકાના નિર્ણય વિરોધ કર્યો

અમેરિકન પ્રતિનિધિમંડળની મુલાકાત પર પીએમ એગેડે કહ્યું કે, ‘વિદેશી હસ્તક્ષેપ વગર અમારી અખંડતા અને લોકશાહીનું સન્માન થવું જોઈએ. અમેરિકન પ્રતિનિધિ મંડળની આ મુલાકાત માત્ર એક ખાનગી પ્રવાસ તરીકે જોઈ ન શકાય.’

આ પણ વાંચો : સાંસદોને મોંઘવારી નડી! પગાર-ભથ્થા અને પેન્શનમાં પણ વધારો, સરકારનું જાહેરનામું

ટ્રમ્પના પુત્રએ કર્યો હતો ગ્રીનલેન્ડનો પ્રવાસ

વેન્સ દંપતી અને અમેરિકન પ્રતિનિધિમંડળ ગુરુવારથી શનિવાર દરમિયાન ગ્રીનલેન્ડના પ્રવાસે હશે. આ પહેલા ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જૂનિયરે જાન્યુઆરીની શરૂઆતમાં ગ્રીનલેન્ડની મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની વાતો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ ખૂબ જરૂરી છે. તેમણે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે બળપ્રયોગ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગ્રીનલેન્ડ આર્ક્ટિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર વચ્ચે આવેલો ટાપુ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે.

‘જ્યાં સુધી નવી સરકાર ન બને, ત્યાં સુધી કોઈ વાતચીત નહીં’

વડાપ્રધાન એગેડે કહ્યું કે, ‘અમે અમેરિકાને પહેલા જ કહી દીધું છે કે, 11 માર્ચે યોજાયેલ સામાન્ય ચૂંટણીઓ બાદ જ્યાં સુધી ગ્રીનલેન્ડમાં નવી સરકાર ન બને, ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય’ ગ્રીનલેન્ડમાં ચૂંટણી પરિણામો આવી ગયા છે, જોકે હજુ પણ એગેડ કાર્યવાહ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ચૂંટણીમાં દક્ષિણપંથી ડેમોક્રેટિક પાર્ટીની જીત થઈ છે, તેથી પાર્ટીના નેતા ફ્રેડરિક નીલસન ગ્રીનલેન્ડના વડાપ્રધાન બનશે. નીલસન ટ્રમ્પના કટ્ટર ટીકાકાર છે અને તેમણે ટ્રમ્પની ધમકીઓને ગ્રીનલેન્ડની રાજકીય આઝાદી માટે ખતરો કહી છે.

ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પ ફ્રેડરિકસેન સાથે બાખડ્યા

જાન્યુઆરીમાં ટ્રમ્પ અને ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે ગ્રીનલેન્ડ બાબતે ફોન પર ચર્ચા થઈ હતી, જેમાં ટ્રમ્પે 'હું ગ્રીનલેન્ડ ખરીદી લેવા બાબતે 'ગંભીર' છું', એમ કહ્યું હતું. ગ્રીનલેન્ડ ડેન્માર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે. 'અમેરિકન ઈચ્છા' નકારી કાઢતાં ડેનિશ વડાપ્રધાને સ્પષ્ટ કહી દીધું હતું કે, 'ડેનમાર્કને ખનિજ સમૃદ્ધ ટાપુ દેશ વેચવામાં રસ નથી'. એમનો નનૈયો સાંભળીને ટ્રમ્પ ગુસ્સે ભરાયા હતા. તેઓ બોલવામાં આક્રમક બની ગયા હતા. 45 મિનિટ સુધી ચાલેલી વાતચીત ગરમાગરમી પર આવી ગઈ હતી.  ગ્રીનલેન્ડ હસ્તગત કરવા બાબતે ટ્રમ્પને આક્રમક બનતા જોઈને ફ્રેડરિકસેને 'ડેન્માર્ક અને અમેરિકા ભેગા મળીને ગ્રીનલેન્ડનો વહીવટ કરી શકે', એવી ઓફર મૂકી હતી, પણ ટ્રમ્પે એ ઓફર નકારી કાઢી હતી. તેઓ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોય, એ વાતને વળગી રહ્યા હતા. બંને રાજનેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગેની માહિતી યુરોપિયન અધિકારીઓએ મીડિયાને આપી હતી. અધિકારીઓએ ટ્રમ્પના વલણને appalling (આઘાતજનક) અને horrendous (ભયાનક) ગણાવ્યું હતું. 

આ પણ વાંચો : દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતાં સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, ચાર મહિનામાં રિપોર્ટ માંગ્યો

ટ્રમ્પે ધમકી આપતા ગ્રીનલેન્ડના વડાપ્રધાને જુદો સૂર આલાપ્યો

એક અધિકારીએ બંને રાજનેતાઓ વચ્ચેની ચર્ચાને 'ખૂબ જ અઘરી' ગણાવીને કહ્યું હતું કે, 'ટ્રમ્પે ડેનમાર્કના માલ પર વધારોનો ટેક્સ નાંખીને ડેનમાર્કનું નાક દબાવવાની ધમકી આપી હતી. તેમના મતે ટ્રમ્પે ડેનમાર્કને 'કટોકટીભરી સ્થિતિમાં' મૂકી દીધું છે.' આ મુદ્દે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યૂટ એગેડેએ જુદું જ નિવેદન આપ્યું છે. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંવાદ કરવાની ઈચ્છા દર્શાવતા કહ્યું હતું કે, 'અમે અમેરિકા સાથે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. અલબત્ત, ડેન્માર્કની સહમતિ વિના ગ્રીનલેન્ડ અમેરિકાના ખોળે બેસી શકે કે કેમ, એ પ્રશ્ન ખરો.'

ટ્રમ્પને શા માટે ગ્રીનલેન્ડમાં આટલો બધો રસ છે?

અમેરિકા આ ત્રણ કારણસર ગ્રીનલેન્ડ ગળી જવા તત્પર થયું છે. 1) ગ્રીનલેન્ડ કુદરતી સંસાધનોથી ભરપૂર ટાપુ-દેશ છે. તેના પેટાળમાં ખનિજ તેલ, ગેસ અને દુર્લભ ખનિજ તત્વોનો વિપુલ ભંડાર ભર્યો પડ્યો છે, જેના પર કબજો કરીને અમેરિકા વધુ સમૃદ્ધ થવા માંગે છે.  2) આર્ક્ટિક સમુદ્રમાં ગ્રીનલેન્ડનું સ્થાન વ્યૂહાત્મક છે. એના પર કબજો કરીને અમેરિકા સમગ્ર યુરોપ, એશિયા અને રશિયાની વધુ નજીક 'સરકી' શકે એમ છે. યુદ્ધ જેવી સ્થિતિમાં ગ્રીનલેન્ડ પર પોતાના સૈન્ય દળો તૈનાત હોય તો અમેરિકા વધુ આસાનીથી બાકીની દુનિયા પર મિસાઈલ હુમલા કરી શકે છે.

ગ્રીનલેન્ડમાં યુરેનિયમનો ખજાનો

21 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ગ્રીનલેન્ડ ટાપુની વસતી માત્ર 57 હજાર છે. અનેક પ્રકારની સ્વાયત્તતા ધરાવતા ગ્રીનલેન્ડનું અર્થતંત્ર ડેનિશ સબસિડી પર આધારિત છે અને તે કિંગડમ ઓફ ડેનમાર્કનો હિસ્સો છે. આ ટાપુનો 80 ટકા ભાગ કાયમ માટે વિપુલ પ્રમાણમાં બરફથી ઢંકાયેલો રહે છે. ગ્રીનલેન્ડમાં બરફ નીચે યુરેનિયમનો ભંડાર છે. 2021માં ગ્રીનલેન્ડ સરકારે તેના ખોદકામ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 2023ના સર્વે પ્રમાણે યુરોપિયન યુનિયન દ્વારા જે 34 ખનિજોને આવશ્યક કાચા માલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તેમાંથી 25 ખનિજો ગ્રીનલેન્ડમાં મળી આવે છે. 

કાયદાનું પાલન કરીશ, પરંતુ માફી નહીં માંગુઃ મુંબઈ પોલીસની પૂછપરછમાં કોમેડિયન કુણાલ કામરાની સ્પષ્ટ વાત

વિશ્વના 25 ટકા જેટલા દુર્લભ પૃથ્વી તત્વો ગ્રીનલેન્ડમાં

અહીં બેટરી માટે ઉપયોગી ઝીંક, હીરા અને લિથિયમ અને ન્યૂક્લિયર ટેકનોલોજી માટે યુરેનિયમ પણ છે. મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર અને જિયોલોજિસ્ટ એડમ સિમોને જણાવ્યું હતું કે વિશ્વના 25 ટકા જેટલા દુર્લભ પૃથ્વી તત્વો ગ્રીનલેન્ડમાં હોઈ શકે છે. આ સામગ્રી 15 લાખ ટન હોઈ શકે છે. અહીં તાંબુ, ગ્રેફાઈટ, નિયોબિયમ, ટાઈટેનિયમ, હીરા અને રોડિયમના મોટા ભંડાર તો છે જ પરંતુ આ સાથે જ દુર્લભ પૃથ્વી ખનિજોના નોંધપાત્ર ભંડાર પણ છે. અહીં મળી આવતા નિયોડીમિયમ અને પ્રસોડીમિયમમાં ખાસ ચુંબકીય ગુણધર્મો છે જે તેમને ઇલેક્ટ્રિક વાહનો અને પવન ઉર્જા ઉત્પાદન માટે જરૂરી ટર્બાઇનના ઉત્પાદનમાં ઉપયોગી બને છે. આનાથી સરકારને અબજો ડોલરનો ફાયદો થઈ શકે છે. પરંતુ, અહીંના લોકોને લાગે છે કે અહીં આટલું બધું ખોદકામ કરવાથી ખરાબ પરિણામો આવી શકે છે. બીજી તરફ અમેરિકા તેને ખરીદવા માટે આકુળ-વ્યાકૂળ છે. 

Tags :