અમેરિકામાં ફરી 'ટ્રમ્પ', 19 ગોલ્ફ કોર્સ, રિયલ એસ્ટેટના કિંગ, જાણો કેટલા ધનિક છે 47માં રાષ્ટ્રપ્રમુખ
Donald Trump's Net Worth : અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ 2024ની ચૂંટણી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે. અમેરિકન મીડિયા હાઉસ ફોક્સ ન્યૂઝે ડોનાલ્ડ ટ્રમ્પને વિજય જાહેર કર્યા છે. હવે તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. તેમણે આ જીતને અવિશ્વસનીય ગણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી અમેરિકાના સૌથી ધનિક નેતાઓમાં થાય છે. જો આપણે તેની સંપત્તિની વાત કરીએ તો તેની પાસે અબજો ડોલરની સંપત્તિ છે. આ સિવાય તેમનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. જે મીડિયા, ટેક્નોલોજીથી લઈને રિયલ એસ્ટેટ સુધી વિસ્તરેલો છે. ચાલો જાણીએ ટ્રમ્પની નેટવર્થ કેટલી છે?
ટ્રમ્પની કુલ સંપત્તિ 7 અબજ ડોલરથી પણ વધુ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના અમીર નેતા તરીકે ઓળખાય છે. ટ્રમ્પની નેટ વર્થ 6.6 બિલિયન(USD)થી 7.7 બિલિયન(USD)ની વચ્ચે હોવાનું કહેવાય છે. ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાસે 6.6 બિલિયન (55,590 કરોડ ભારતીય રૂપિયા)થી વધુની સંપત્તિ છે. બીજા એક બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર નવેમ્બર 2024માં તેમની નેટવર્થ 7.7 બિલિયન(USD) (લગભગ રૂ. 64855 કરોડ) છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ થયો હતો સંપત્તિમાં ઘટાડો
અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત વર્ષ 2016માં રાષ્ટ્રપ્રમુખ પદની ઉમેદવારીની જાહેરાત કરી હતી ત્યારે તેમની કુલ સંપત્તિ 4.5 બિલિયન ડોલર(ફોર્બ્સ અનુસાર) હતી. જોકે તે સમયે ટ્રમ્પે કહ્યું હતું કે, મારી પાસે આનાથી પણ વધુ સંપત્તિ છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફોર્બ્સના ડેટા અનુસાર, વર્ષ 2020માં તેમની સંપત્તિ ઘટીને 2.1 બિલિયન થઈ ગઈ હતી. પરંતુ તેમના કાર્યકાળ બાદ ફરીથી વધીને વર્ષ 2022માં 3 બિલિયન પર પહોંચી ગઈ હતી.
અનેક વૈભવી મિલકતોના માલિક ટ્રમ્પ
એક અહેવાલ અનુસાર, ટ્રમ્પની નેટવર્થમાં સૌથી મોટો હિસ્સો 'ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી' ગ્રૂપનો છે. આ ગ્રૂપની કુલ સંપત્તિ 5.6 બિલિયન છે. જ્યારે બીજો સૌથી મોટો હિસ્સો તેમના ગોલ્ફ ક્લબ, રિસોર્ટ અને બંગલાઓનો છે. ટ્રમ્પ પાસે એપ્રિલ 2024માં ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજીના 114.75 મિલિયન શેર અને 36 મિલિયન અર્નઆઉટ શેર છે. ટ્રમ્પના અર્નઆઉટ શેરનું કુલ મૂલ્ય આશરે રૂ. 1.2 અબજ ડોલર છે.
વિશ્વના અન્ય અમીરોની જેમ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ ઘણી વૈભવી મિલકતો છે. પછી ભલે તે ફ્લોરિડામાં પામ બીચના કિનારે 10 મિલિયન ડોલરની કિંમતનું સુંદર મેન્શન હોય કે પછી સેન્ટ માર્ટિનમાં આવેલી લક્ઝરી પ્રોપર્ટી. વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ટ્રમ્પ ફ્લોરિડાના મેન્શન 'માર-એ-લાગો'માં રહેતા હતા. તે સન 1927માં બનાવવામાં આવ્યું હતું. ટ્રમ્પે તેને સન 1985માં ખરીદ્યું હતું.
20 એકરમાં ફેલાયેલુ મેન્શન
20 એકર વિસ્તારમાં ફેલાયેલા આ મેન્શનમાં 58 બેડરૂમ, 33 બાથરૂમ, 12 ફાયરપ્લેસ, એક સ્પા, સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ આવેલો છે. આ મેન્શન સિવાય ટ્રમ્પ પાસે બીજા અનેક શહેરોમાં મોંઘા અને વૈભવી મકાનો પણ છે. ન્યુ જર્સી, કનેક્ટિકટ, હવાઈ, ઈલિનોઈસ અને નેવાડા ઉપરાંત યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકામાં પણ તેમની પાસે મોંઘી રહેણાંક મિલકતો છે. આ સિવાય ફ્લોરિડા સિવાય સેન્ટ માર્ટિનમાં પણ 10 મિલિયન ડોલરથી વધુની પ્રાઈવેટ પ્રોપર્ટી છે.
19 ગોલ્ફ કોર્સના માલિક છે ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફના શોખીન છે. તેમની પાસે 19 ગોલ્ફ કોર્સ પણ છે. આ સિવાય તેની પાસે એરક્રાફ્ટ અને કાર કલેક્શન પણ ઘણું મોટું છે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 5 એરક્રાફ્ટ છે. અને રોલ્સ રોયસ સિલ્વર ક્લાઉડથી લઈને મર્સિડીઝ બેન્ઝ સુધી સેંકડો લક્ઝરી કારો તેની પાસે છે.
વારસામાં મળ્યો બિઝનેસ
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પને વારસામાં રિયલ એસ્ટેટનો બિઝનેસ મળ્યો છે. તેમના પિતા ફ્રેડ ટ્રમ્પ ન્યૂયોર્કના સૌથી સફળ રિયલ એસ્ટેટ બિઝનેસમેનમાંના એક હતા. તેમણે સન 1927માં પત્ની એલિઝાબેથ સાથે રિયલ એસ્ટેટ કંપની શરૂ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સન 1971માં તેના પિતાનો બિઝનેસ સંભાળ્યો હતો. અને તેને ઝડપથી વિસ્તાર્યો હતો. ટ્રમ્પે ઘણી આલીશાન ઇમારતો બનાવી છે. જેમાં ટ્રમ્પ પેલેસ, ટ્રમ્પ વર્લ્ડ ટાવર, ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ અને રિસોર્ટનો સમાવેશ થાય છે. વિશ્વના તમામ મોટા શહેરોની જેમ 'ટ્રમ્પ ટાવર' મુંબઈમાં પણ આવેલો છે.