પહેલા ડોન દાઉદ ઇબ્રાહીમને ઝેર અપાયું હોવાની ખબર હવે ઇન્ટરનેટ ઠપ્પ : સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પણ બંધ
- ફેબ્રુઆરી 2024માં ત્યાં યોજાનારી ચૂંટણી પહેલા દેશમાં અનેકવિધ અફવાઓ ચાલી રહી છે : સાથે અગ્નિ ધૂંધવાય છે
કરાચી, ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં આજકાલ રાજકીય અફવાઓનું બજાર તેજ થઈ રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં ત્યાં ચૂંટણીઓ યોજાવાની છે. દેશના ચૂંટણી પંચે તેવી જાહેરાત પણ કરી દીધી છે. દરમિયાન સમગ્ર દેશમાં ઇન્ટરનેટ ઠપ્પ થયાં હોવાની ખબર ચાલી રહી છે. આ પૂર્વે એવા સમાચાર વહેતા થયા હતા કે, ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી ડોન દાઉદ ઇબ્રાહીમને કોઈએ ઝેર આપ્યું છે તેને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે, ત્યાં તેની હાલત નાજુક દર્શાવવામાં આવી છે.
જો કે તે વિષે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી પણ તેને ઝેર અપાયું હોવાની વાત ઇન્ટરનેટ પર પ્રસરી રહી છે.
એવું પણ કહેવાય છે કે પાકિસ્તાન સરકારે આ પગલું ઇમરાન ખાનની વર્ચ્યુઅલ રેલીને અનુલક્ષીને લીધું છે.
વાસ્તવમાં રવિવારે રાત્રે જ પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન-તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ)ની એક વર્ચ્યુઅલ રેલી યોજાવાની હતી. તેથી સરકારને ચિંતા હતી કે ઘણે ઠેકાણે માહૌલ તેથી બગડી શકે તેથી ઇમરાન ખાનની રેલી પહેલાં જ ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ જેથી લોકો તે રેલી સાથે જોડાય નહીં. ઘણે ઠેકાણે નેટ સ્લો પણ કરી નખાયું છે. જેથી રેલી સ્ટ્રીમ કરવામાં મુશ્કેલી ઉપસ્થિત થઇ છે.
પાકિસ્તાન મીડીયા પ્રમાણે રવિવારે રાત્રે ૮ વાગ્યાથી લાહોર, કરાચી અને ઇસ્લામાબાદ સહિત કેટલાએ શહેરોમાંથી ઇન્ટરનેટ ન ચાલતાં હોવાની ફરિયાદો આવી રહી હતી. તેમાંથી કોઈ માર્ગ નીકળ્યો ન હતો. જયારે પાકિસ્તાન દૂર સંચાર વિભાગ દ્વારા તે વિષે કશું કહેવામાં આવ્યું નથી.