શું કેનેડા ભારતના સૈનિકોને સરળતાથી વિઝા આપતું નથી ? અભિવ્યકિતના નામે ખાલિસ્તાનીઓને ટેકો
કેનેડામાં રહીને ખાલિસ્તાનીઓની ભારત વિરોધી પ્રવૃતિઓ કરે છે
હરદીપસિંહ નિજજરની હત્યામાં કેનેડાનું ભારત વિરોધી બે જવાબદાર નિવેદન
નવી દિલ્હી,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૩, મંગળવાર
ભારત અને કેનેડામાં ખાલિસ્તાન આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી સંબંધો તંગ બન્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ નિજજરની હત્યા પાછળ ભારતને જવાબદાર ગણ્યું છે. કેનેડાએ ભારતના દુતાવાસ પ્રતિનિધિ પવનકુમાર રાયની હકાલપટ્ટી કરી છે. કેનેડાના આ પગલાના જવાબમાં ભારતે પણ કેનેડા દુતાવાસના ટોચના અધિકારીઓેનિ નિષ્કાસિત કરવાની જાહેરાત કરી છે.
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની મૂવમેન્ટને સમર્થનને લઇને વર્ષોથી સંબંધો ખરાબ થયા છે. કેનેડામાં રહીને ખાલિસ્તાનીઓની ભારત વિરોધી પ્રવૃતિઓની ભારત સરકાર આંતરરાષ્ટ્રીય મંચ પર ટીકા પણ કરતી રહી છે. કેનેડાની સરકાર આતંકવાદી પ્રવૃતિએ અભિવ્યકિત સ્વતંત્રતા ગણીને અવગણતી રહી છે. સૌથી મોટો અંતરાય તો કેનેડાની ટુડો સરકારને શિખ અંતિમવાદીઓની રાજકીય પાર્ટીનું સમર્થન પણ છે.ખાલિસ્તાનીઓને કેનેડાનું સમર્થન કોઇ નવી વાત નથી. એક માહિતી મુજબ બ્રિમ્પ્ટનના એક પ્રદર્શનમાં શ્રીમંતી ઇન્દિરા ગાંધીના હત્યારાઓને દર્શાવાયા હતા. અભિવ્યકિત સ્વતંત્રતાના નામે પરોક્ષ રીતે ખાલિસ્તાની વિચારધારાનું પોષણ થઇ રહયું છે.
સૌથી નવાઇ લાગે તેવી વાત તો એ છે કે કેનેડા દેશ ભારતના સુરક્ષા દળોના સભ્યોને વીઝા આપવાનો ઇન્કાર કરતા રહયા છે. વીઝા આપે તો પણ ભારતના સુરક્ષાકર્મીઓએ કયાં કયાં સ્થળે સેવા આપી છે તે પુછવામાં આવે છે.જો કે આ ખૂબ ખાનગી રીતે પુછવામાં આવે છે પરંતુ ખોટું છે.આ અંગે વિદેશ મંત્રાલયમાં કામ કરી ચુકેલા પૂર્વ ડિપ્લોમેટે મીડિયામાં ખુલાસો પણ કર્યો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પંજાબમાં અલગાવવાદના બીજ રોપનારા કેટલાક ખાલિસ્તાની નેતાઓ કેનેડામાં બેફામ નિવેદનો કરીને ભારત વિરોધી ઝેર ઓકતા રહે છે. આ મુદ્વે પણ ભારતે હંમેશા સંયમથી કામ લીધું છે પરંતુ કેનેડા સરકારે હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારત વિરોધી બે જવાબદાર નિવેદન કરીને તંગ સંબંધોની આગમાં ઘી નાખવાનું કામ કર્યુ છે.