ISSમાં સુનિતાને દ્રષ્ટિ અને હાડકાંની સમસ્યા થયાના ચિંતાજનક અહેવાલ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ISSમાં સુનિતાને દ્રષ્ટિ અને હાડકાંની સમસ્યા થયાના ચિંતાજનક અહેવાલ 1 - image


- આંખનું અને હાડકાંનું તબીબી પરીક્ષણ થયું : સાતને બદલે બાવન કરતાં વધુ દિવસ થયા છતાં પૃથ્વી પર પાછાં આવી શકી નથી

વોશિંગ્ટન/મુંબઇ : વિશ્વપ્રસિદ્ધ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને હાડકાંની અને દ્રષ્ટિની સમસ્યા  થઇ હોવાના ચિંતાજનક અહેવાલ પ્રસિદ્ધ  થયા છે.  સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બંને છેલ્લા બાવન(૫૨) કરતાં પણ વધુ દિવસથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)માં છે. આ બંને અવકાશયાત્રીઓ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને બોઇંગ કંપનીના સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ દ્વારા ફકકત  સાત દિવસ માટે આઇ.એસ.એસ.માં ગયાં છે.

જોકે બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં હિલિયમ વાયુનું ગળતર થયું હોવાથી અને અવકાશયાનના થ્રસ્ટરમાં પણ ટેકનિકલ ખામી સર્જાઇ હોવાથી બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર સલામત રીતે પાછાં લાવવામાં અવરોધ સર્જાઇ રહ્યા છે. 

નાસાનાં સૂત્રોના કહેવા મુજબ  આઇ.એસ.એસ.માં સુનિતા વિલિયમ્સની બંને આંખોના કોર્નિયા( આંખનો સૌથી બહારનો હિસ્સો-નેત્રપટલ), લેન્સ અને આંખની નસનું  તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે.આમ તો સુનિતા વિલિયમ્સ સહિત આઇ.એસ.એસ.માંનાં અન્ય અવકાશયાત્રીઓની આંખનું પણ તબીબી પરીક્ષણ કરવામાં  આવ્યું છે. 

તબીબી પરીક્ષણની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પૃથ્વી પરના આંખના નિષ્ણાત તબીબોની ટીમે પણ હાજર રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આંખના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ અવકાશયાત્રીઓને  અંતરિક્ષમાંના ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે શરીરમાંનું પ્રવાહી ઉપરના હિસ્સા તરફ વહેવા માંડે છે.પરિણામે અવકાશયાત્રીના મગજ, આંખ સહિત અન્ય અવયવો પર ભારણ વધે છે. ક્યારેક તો આંખનો આકાર પણ બદલાઇ જવાનું જોખમ રહે છે. 

 આઇ.એસ.એસ.ના તમામ અવકાશયાત્રીઓના આરોગ્યની પૂરતી કાળજી રાખવા તેમનાં આંખ,હાડકાં સહિત શરીરના તમામ અવયવોનું નિયમિત રીતે તબીબી પરીક્ષણ થાય છે.

નાસાનાં સૂત્રોના કહેવા મુજબ સુનિતા વિલિયમ્સનેબોન ડેન્સિટી( માનવ શરીરમાંનાં હાડાકાંમાં કેલ્શિયમનું અને ફોસ્ફરસનું  પ્રમાણ ઘટવું)ની સમસ્યા થઇ છે. આ બંને  કુદરતીતત્ત્વોનું પ્રમાણ ઘટી જવાથી અવકાશયાત્રીનાં હાડકાંની અસલ શક્તિ ઓછી થતી જાય.પરિણામે અવકાશયાત્રી ઉભો ન રહી શકે.સમતુલન ન રહે.


Google NewsGoogle News