લાંબા ખેંચાઈ રહેલા યુધ્ધથી ઈઝરાયેલમાં પણ અસંતોષ, નેતાન્યાહૂના રાજીનામાની ઉઠી માંગ
Image Source: Twitter
તેલ અવીવ, તા. 31 ડિસેમ્બર 2023
ઈઝરાયેલે ગાઝામાં હમાસ સામે શરુ કરેલુ યુધ્ધ ધાર્યા કરતા વધારે લંબાય છે અને તેના કારણે હવે ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ સામે ઘર આંગણે વિરોધના સૂર ઉઠવાના પણ શરુ થયા છે.
નેતાન્યાહૂ પર હવે વડાપ્રધાન પદેથી રાજીનામુ આપવા માટે દબાણ વધી રહ્યુ છે. જોકે આ માટે તેઓ રાજી નથી. હમાસે બંધક બનાવેલા લોકોને છોડાવવામાં મળેલી નિષ્ફળતા તથા લાંબા ખેંચાઈ રહેલા યુધ્ધના મુદ્દે નેતાન્યાહૂએ કહ્યુ છે કે, હું મારા તરફથી તમામ પ્રયાસો કરી રહ્યો છું અને આપણે ધાર્યુ લક્ષ્ય બહુ જલ્દી હાંસલ કરીશું.
તેમણે સંકેત આપતા કહ્યુ હતુ કે, યુધ્ધ સમાપ્ત થયા પછી પણ હું સત્તા પર રહેવા માંગુ છું. જેથી ગાઝા તરફથી ઈઝરાયેલ સામે ભવિષ્યમાં કોઈ ખતરો ઉભો ના થાય તે પ્રકારે કાર્યવાહી કરી શકું.
પોતાના રાજીનામાની માંગ અંગે નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, હું માત્ર હમાસનુ રાજીનામુ જોવા માંગુ છું.મેં આટલા વર્ષો સુધી ઈઝરાયેલનુ નેતૃત્વ કર્યુ છે અને મારા વડાપ્રધાન તરીકેના શાસનકાળમાં ઈઝરાયેલ મજબૂત બન્યુ છે. ગાઝામાં સંપૂર્ણપણે જીત હાંસલ કરવા માટે હજી વધારે સમયની જરુર છે. ઈઝરાયેલની સેના પોતાના સૈનિકોના જીવનની રક્ષા કરીને આગળ વધી રહી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં 8000 આતંકીઓ માર્યા ગયા છે અને હમાસની સૈન્ય ક્ષમતા મહદ અંશે નષ્ટ થઈ ચુકી છે.