માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુના સૂર બદલાયા! કહ્યું- 'બંને દેશની મિત્રતા સદીઓ જૂની છે'
છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે
India-Maldives Row: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસના સુંદર વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. આ પ્રવાસ બાદ માલદીવ સરકારનું ટેન્શન વધી ગયું હતું. છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. પરંતુ આ તણાવ વચ્ચે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુએ બંને દેશોના સંબંધોના વખાણ કર્યા છે.
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને માલદીવ અને ભારતની મિત્રતા સદીઓ જૂની છે. બંને દેશ વચ્ચેના સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ મોઈજ્જૂની સરકાર બન્યા પહેલા ભારત અને માલદીવ વચ્ચે ગાઢ સંબંધો હતા. ત્યાં ચીન સમર્થિત સરકાર સત્તા પર આવતા જ ભારત સાથેના સંબંધો બગડ્યા અને હવે તેમના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. હાલ માલદીવ અર્થતંત્રની સ્થિતિ ‘કાલા પાણીની સજા’ જેવી છે. હાલની મોઈજ્જૂ સરકાર બે બાજુથી ફસાઈ છે. જો તે ભારત સાથે સંબંધ બગાડે તો ભૂખે મરવા જેવી સ્થિતિ સર્જાય અને ચીન સાથે બગાડે તો કંગાળ થઈ જાય.