હવે પાકિસ્તાનમાં ડિજિટલ યુદ્ધ, આખી રાજકીય ડ્રામાબાજી જાણીને હસી પડશો...
ઈમરાન ખાન વર્ચ્યુઅલ રેલી રોકવા પાકિસ્તાનની વર્તમાન સરકારે ઈન્ટરનેટ બંધ કર્યું
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા એપ્સ, યુ-ટ્યૂબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ
Image Twitter |
તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર
પાકિસ્તાનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ( AI) નો ઉપયોગ કરીને સોશિયલ મીડિયાનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે. ટૂંકમાં પાકિસ્તાનમાં હવે ડિજિટલ યુદ્ધ છેડાઈ ગયું છે. વાત એમ છે કે પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાન ચૂંટણી પહેલા એક વર્ચ્યુઅલ રેલી યોજવાના હતા. વર્ચ્યુઅલ એટલા માટે કે હાલ ઈમરાન ખાન જેલમાં છે. આ કારણસર તેમણે એઆઈનો ઉપયોગ કર્યો.
રાજકીય કિન્નાખોરીમાં પ્રજાની હેરાનગતિ
જોકે આ રેલી રોકવા પાકિસ્તાન સરકારે આખા દેશની ઈન્ટરનેટ સેવા જ બંધ કરી દીધી. યુ-ટ્યૂબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ઠપ થઈ ગયા. આ રાજકીય કિન્નાખોરીમાં હેરાન થઈ પાકિસ્તાનની પ્રજા.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો પ્રમાણે ઈમરાન ખાનની ગેરહાજરીમાં તેમના પક્ષના કાર્યકરોએ પોતાના સર્વોચ્ચ નેતાના AI અવાજનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે ઈમરાનના જૂના ફૂટેજનો એક વીડિયો પણ તૈયાર કર્યો હતો. પોતાના નેતાની ગેરહાજરીમાં પીટીઆઈ પાસે ચૂંટણી પ્રચારનો એકમાત્ર આ જ ઉપાય હતો.
AIથી ભાષણની યોજના પર પાણી ફરી વળ્યું
કેટલાક અહેવાલો પ્રમાણે પીટીઆઈએ એક ભાષણ તૈયાર કર્યું હતું, જે તેઓ AIની મદદથી ઈમરાનના અવાજમાં જનરેટ કરવા માંગતા હતા. તેમની યોજના એવી હતી કે વિવિધ સ્થળે ચૂંટણી રેલીઓમાં તે ભાષણ પ્લે કરાય. જોકે સરકારે ઈન્ટરનેટ બંધ કરીને તે આખી યોજના પર જ પાણી ફેરવી દીધું.
શું હોય છે AI ઓડિયો?
AI ઓડિયો સોફ્ટવેરની મદદથી બનાવાય છે, જેમાં કોઈના અવાજને સોફ્ટવેર દ્વારા એનાલાઈઝ કરી તેવા જ પ્રકારનો અવાજ તૈયાર કરાય છે. આ અવાજ સાંભળીએ ત્યારે તે બિલકુલ સાચો લાગે છે. આ પ્રકારના ઓડિયોમાં AI અને મશીન લર્નિંગની ભૂમિકા મહત્ત્વની હોય છે. જોકે કેટલાક દેશોમાં AIથી અવાજ બનાવવા પર કાયદાકીય પ્રતિબંધ છે કારણ કે, તેના થકી છેતરપિંડીની પણ અનેક શક્યતાઓ છે.