શું ‘ધ સિમ્પસન્સ’એ ડોનાલ્ડ ટ્રમ્પના હત્યાના પ્રયાસની આગાહી કરી હતી? સોશિયલ મીડિયા પર મચી ખલબલી
US Former President Donald Trump Firing: શનિવારની સાંજે અમેરિકાના પ્રમુખપદના રિપબ્લિકન દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો. હુમલામાં એક ગોળી ટ્રમ્પનો કાન વીંધીને નીકળી ગઈ હતી. પોલીસકર્મીઓએ વળતો ગોળીબાર કરીને હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધો હતો અને ટમ્પને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ઘટના બની એના ગણતરીના કલાકોમાં કશુંક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી અને દુનિયાભરના લોકોને વિચારતા કરી દીધા.
શું લખ્યું હતું એ યુઝરે?
ટ્રમ્પ પર હુમલાના સમાચાર જગજાહેર થતાં જ સોશિયલ મીડિયા પર એક યુઝરે અતિપ્રસિદ્ધ કાર્ટૂન શો ‘ધ સિમ્પસન્સ’ના જૂના એપિસોડના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા, જેમાં ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ શબપેટીમાં પડેલો દેખાય છે. પોસ્ટમાં યુઝરે લખ્યું હતું કે, ‘આ બાબતમાં સિમ્પસન્સે સ્પષ્ટતા કરવી જોઈએ.’
શું છે ધ સિમ્પસન્સ શૉ?
છેક 1989માં શરૂ થયેલો ‘ધ સિમ્પસન્સ’ નામનો કાર્ટૂન શો પાંત્રીસ વર્ષ પછી હજુ પણ અડિખમ છે. ગત મે મહિનામાં એની પાંત્રીસમી સીઝન પૂરી થઈ હતી. એના કુલ 768 એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. આગામી છત્રીસમી સીઝનની ઘોષણા પણ થઈ ગઈ છે.
આ પણ વાંચો: મારી પણ હત્યા કરવાના પ્રયાસ થયા: ટ્રમ્પ પર હુમલા બાદ મસ્કે કહ્યું- આગામી સમય ખતરનાક
સાચી પડતી શૉની ભવિષ્યવાણી
દાયકાઓથી પ્રસારિત થઈ રહેલા આ લોકપ્રિય કાર્ટૂન શોમાં સમાજ અને રાજકારણ પર મજાના કટાક્ષ કરવામાં આવે છે. એમાં દર્શાવાયેલી અમુક કાલ્પનિક ઘટનાઓ થોડા વર્ષ પછી હકીકત બનીને સાચી પડી હોય એવુંય બન્યું છે. જેમ કે, રાણી એલિઝાબેથનું મૃત્યુ અને ડોનાલ્ડ ટ્રમ્પની રાજકારણમાં સફળતા. જી, હાં. સિમ્પસન્સ શોમાં અગાઉ ટ્રમ્પના રાજકીય ઉદય વિશે દર્શાવાયેલું હતું, જે ભવિષ્યમાં સાચી પડી હતી જ્યારે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા હતા.
શું હતી ટ્રમ્પ પર હુમલાવાળી ભવિષ્યવાણી
‘ધ સિમ્પસન્સ’ના 2015માં પ્રસારિત થયેલા એક એપિસોડમાં એવું દેખાડાયું હતું કે ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો છે, ત્યારે એના પર ગોળી છોડવામાં આવે છે. એ સીનના બેકગ્રાઉન્ડમાં ‘ટ્રમ્પ 2024’ લખેલું બેનર પણ દેખાય છે, જે વર્તમાન વર્ષ સાથે મેળ ખાય છે. એ પછી ટ્રમ્પ એક શબપેટીમાં આંખ બંધ કરીને પડેલા દેખાય છે. એક એવું દૃશ્ય જે તાજેતરમાં હકીકત બનતાં રહી ગયું.
જંગલમાં આગની જેમ ફેલાઈ એ પોસ્ટ
પેલા યુઝરની પોસ્ટ અને સ્ક્રીનશોટ જોતજોતામાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયા. લોકો જાતભાતની કમેન્ટ્સ અને કલ્પનાઓ કરવા લાગ્યા. કોઈકે લખ્યું કે, ‘ટ્રમ્પ એટલા મજબૂત છે કે સિમ્પસન્સનો શ્રાપ પણ એમનું કંઈ બગાડી ન શક્યો.’ બીજા યુઝરે લખ્યું, ટ્રમ્પે ખરેખર સમયની ચાલ બદલી નાંખી.’ ત્રીજાએ લખ્યું, ‘સિમ્પસન્સે ટ્રમ્પને કમ આંક્યા!’
ટ્રમ્પ પરના હુમલાને ગંભીરતાથી લઈને ઘણા લોકો ‘ધ સિમ્પસન્સ’ શો પાસે એમણે પેલા એપિસોડમાં દેખાડેલા ઘટનાક્રમ બાબતે સ્પષ્ટતા માંગી રહ્યા છે. સાચું-ખોટું તો ભગવાન જાણે પણ કોઈ કાર્ટૂન શો આટલી હદે કઈ રીતે સાચી ભવિષ્યવાણી કરી શકે, એ પ્રશ્ન થાય તો ખરો જ.