ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવા વાટાઘાટોનો રસ્તો અપનાવે, યુએન મહા સભામાં ભારતની અપીલ
Image Source: Twitter
ગત વર્ષની સાત ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને દુનિયાભરના દેશ શાંતિની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું છે કે ‘આ યુદ્ધમાં અનેક નિર્દોશ નાગરિકોના ભોગ લેવાયા છે. આ પ્રકારના માનવીય સંકટનો સ્વીકાર કરી જ ના શકાય. જો કે, ભારત પણ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનો દૃષ્ટિકોણ રાખે છે.’
યુદ્ધથી જોખમી માનવીય સંકટ સર્જાયું છે
આ યુદ્ધના કારણે ઈઝરાયલ અને ગાઝાના સામાન્ય નાગરિકો (ખાસ કરીને મહિલાઓ અને બાળકો)ના મોત થયા છે, જેના કારણે અત્યંત જોખમી માનવીય સંકટ સર્જાયું છે. સાતમી ઓક્ટોબરે ગાઝાના આતંકી સંગઠન હમાસે ઈઝરાયલ પર પાંચ હજાર રોકેટ ઝીંક્યા હતા. ત્યાર પછી જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે હમાસના અનેક ઠેકાણે હુમલા કર્યા હતા. ત્યારથી બંને પક્ષે ભારે ખુવારી થઈ રહી છે, જેમાં હજારો મહિલાઓ વિધવા થઈ છે અને બાળકો અનાથ થયા છે.
માનવીય મદદ માટે અન્ય દેશ આગળ આવે
પશ્ચિમ એશિયામાં વર્તમાન સ્થિતિ પર યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં રુચિરા કંબોજે ગાઝામાં માનવીય મદદ વધારવા માટે ભારતના પ્રયત્નોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભારતનું નેતૃત્વ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સહિત વિસ્તારના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. અમે G20, બ્રિક્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચોમાં પણ અમારા મુદ્દા રજૂ કરી ચૂક્યા છીએ. અમે દુનિયાને યુદ્ધથી પ્રભાવિત થયેલા લોકો માટે માનવીય મદદનું આહ્વાન કર્યું છે. અમને આશા છે કે યુએન સિક્યોરિટી કાઉન્સિલ માનવીય સહાયતા વધારવામાં મદદ કરશે. આ પ્રકારના વિવાદોમાં વાટાઘાટો અને વ્યૂહનીતિ જ શાંતિપૂર્ણ સમાધાન સાથે આગળ વધવાનો રસ્તો છે.’
અમે સતત માનવીય સહાયતા કરી રહ્યા છે
ભારતે અત્યાર સુધી પેલેસ્ટાઈનના લોકો માટે બે હપ્તામાં 16.5 ટન દવા અને ચિકિત્સા પુરવઠા સહિત 70 ટન માનવીય સહાયતા આપી છે. યુએનની રાહત એજન્સીઓ દ્વારા પેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે ચલાવાતા કાર્યક્રમોનું પણ ભારત સમર્થન કરે છે. તેઓ પેલેસ્ટાઈનના નાગરિકો માટે શિક્ષણ, આરોગ્ય સંભાળ, રાહત અને સામાજિક સેવાનું કામ કરી રહ્યા છે.