ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ચારે તરફ તબાહી, ICUમાં રખાયેલા તમામ દર્દીઓના મોત
Image Source: Twitter
તેલ અવીવ, તા.18. નવેમ્બર. 2023 શનિવાર
ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અલ શિફા હોસ્પિટલ નીચે હમાસે પોતાનુ હેડ ક્વાર્ટર બનાવ્યુ હોવાનો દાવો કરીને ઈઝરાયેલની સેનાએ હોસ્પિટલ પર એટેક શરુ કર્યુ છે અને હોસ્પિટલના ડાયરેકટર મહોમ્મદ અબુ સલ્મિયાએ કહ્યુ છે કે, હોસ્પિટલના આઈસીયુમાં દાખલ તમામ દર્દીઓના મોત થઈ ગયા છે.
તેમણે કહ્યુ હતુ કે, ઈઝરાયેલની કાર્યવાહીમાં એક જ રાતમાં 22 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.છેલ્લા 3 દિવસમાં હોસ્પિટલમાં દાખલ 55 લોકો મોતને ભેટયા છે.હોસ્પિટલમાં 7000 લોકો હજી ફસાયા છે.જેમાં દર્દીઓની સાથે સાથે કર્મચારીઓ તેમજ શેલ્ટર હોમમાં આશ્રય લેનારા લોકોનો સમાવેશ થાય છે.
બીજી તરફ ઈઝરાયેલની સેના સતત હોસ્પિટલને ટાર્ગેટ કરી રહી છે.ઈઝરાયેલે ગઈકાલે જ દાવો ક્રયો હતો કે, હોસ્પિટલ નીચેથી સુરંગ મળી આવી છે.હોસ્પિટલનો ઉપયોગ હમાસના આતંકીઓ હેડક્વાર્ટર તરીકે કરી રહ્યા છે અને આ હમાસનુ કમાન્ડ સેન્ટર છે.
પોતાના દાવાના સમર્થનમાં ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો હતો અને કહ્યુ હતુ કે, અહીંયા સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો તેમજ હમાસની એક ટ્રક પણ મળી છે.હોસ્પિટલમાં હમાસે એકે 47, આરપીજી જેવા હથિયારો અને વિસ્ફોટકો એકઠા કરી રાખ્યા હતા.
જોકે ઈઝરાયેલના દાવા પર સોશિયલ મીડિયામાં સવાલો પણ ઉઠી રહ્યા છે.ઘણાનુ કહેવુ છે કે, ઈઝરાયેલ દ્વારા જે હિસ્સાને હમાસની સુરંગ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે તે હકીકતમાં અલ શિફા હોસ્પિટલનુ બંકર છે.