શ્વેત અમેરિકનોનું ટ્રમ્પને સમર્થન, જાતીય શોષણના ડઝનથી વધુ કેસ છતાં મહિલાઓના 45% વોટ
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતોનું રસપ્રદ તારણ
- કમલાનો કટાક્ષ : અમે ટ્રમ્પને સત્તા પરિવર્તનમાં મદદ કરીશું, 2020ની કેપિટલ હિલ જેવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય
US Election Results analysis : ડોનાલ્ડ ટ્રમ્પમાં 298 ઇલેક્ટોરલ મત સાથે સત્તા પર પુનરાગમન થયું છે તો કમલા હેરિસને 226 મત મળ્યાં છે. ટ્રમ્પને ભારતીય મૂળની કમલા હેરિસની બરોબરની ટક્કર મળી. ટ્રમ્પના આ વિજયમાં શ્વેત રાષ્ટ્રવાદના મુદ્દે બરોબરનું વોટિંગ થયું. ડેમોક્રેટ્સ કમલા હેરિસને 41 ટકા શ્વેત લોકોએ મત આપ્યા તો ટ્રમ્પના મત આપનારા શ્વેતોની સંખ્યા 57 ટકા હતી.
આ ઉપરાંત 85 ટકા અશ્વેતોએ કમલાને મત આપ્યા તો 12 ટકા અશ્વેતોએ જ ટ્રમ્પને મત આપ્યા. હેરિસ માટે વોટ કરતાં એશિયાઈ મૂળના લોકોની સંખ્યા 54 ટકા હતી, જ્યારે ટ્રમ્પને વોટ આપનારા એશિયાઈ મૂળના લોકોની સંખ્યા 38 ટકા હતી. 52 ટકા હિસ્પેનિક કે લેટિન અમેરિકાના લોકોએ હેરિસને મત આપ્યા તો ૪૬ ટકાએ ટ્રમ્પને મત આપ્યા. 42 ટકા અન્યએ હેરિસને અને 54 ટકાએ ટ્રમ્પને મત આપ્યા.
અમેરિકામાં પાંચ નવેમ્બરે મતદાન કરનારા 18-29 વર્ષના મતદાતાઓની પહલી પસંદ કમલા હેરિસ હતી. હેરિસ માટે 54 ટકા યુવા મતદારોએ મતદાન કર્યુ. જ્યારે આ વર્ગેના 43 ટકાએ ટ્રમ્પને મત આપ્યા. 30થી 44 વર્ગના 49 ટકા યુવાનોએ કમલા હેરિસને તો 48 ટકાએ ટ્રમ્પને મત આપ્યા. હેરિસને ૪૫થી ૬૪ વર્ષની કેટેગરીના 44 ટકા લોકોએ મત આપ્યા તો ટ્રમ્પને આ કેટેગરીમાંથી 54 ટકા મત મળ્યા. આનો સીધો અર્થ એમ થયો કે 45 થી 64 વર્ષના મતદારોની પહેલી પસંદ ટ્રમ્પ હતા. આ રીતે 65 થી વધુ વયના 49 ટકા મતદારોએ હેરિસને અને 49 ટકાએ ટ્રમ્પને મત આપ્યા.
કમલા હેરિસને સૌથી વધુ મહિલાઓએ 53 ટકા મત આપ્યા. જ્યારે તેમને પુરુષોએ ફક્ત 42 ટકા વોટ જ આપ્યા. આ રીતે ટ્રમ્પને 55 ટકા પુરુષોએ અને 45 ટકા મહિલાઓએ વોટ આપ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પ પર મહિલાઓના જાતીય શોષણના ડઝનથી પણ વધુ કેસ નોંધાયેલા છે અને કેટલાક મામલામાં તેમને દોષિત પણ ઠેરવવામાં આવી ચૂક્યા હોવા છતાં તેને મહિલાઓના મળેલા 45 ટકા મતે આશ્ચર્ય સર્જયુ છે.
શિક્ષણની રીતે જોઈએ તો કમલા હેરિસને કોલેજ્ સ્નાતક હોય તેવા 55 ટકા લોકોએ મત આપ્યા છે. જ્યારે 42 ટકા એવા લોકોએ મત આપ્યા છે જેમની પાસે સ્નાતકની ડિગ્રી નથી. જ્યારે સ્નાતકની ડિગ્રી ન હોય તેવા 56 ટકા લોકોએ ટ્રમ્પને મત આપ્યા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ આવ્યા પછી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. બંનેએ તેમને અભિનંદન આપ્યા. કમલા હેરિસે ચૂંટણીના પરિણામોની સ્પષ્ટ તસ્વીર સામે આવી ગયા પછી પ્રજાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે મેં નવા ચૂંટાયેલા પ્રમુખને અભિનંદન આપ્યા છે. તેની સાથે કમલાએ કટાક્ષ કરતા જણાવી દીધું હતું કે અમે તેમને સરળતાથી સત્તાની સોંપણી કરી દઇશું. 2020માં સત્તા હસ્તાંતરણ વખતે કેપિટલ હિલ જેવા બનેલા બનાવનું પુનરાવર્તન નહીં થવા દઈએ.