30 વર્ષમાં આપ્યા 1000 ટેસ્ટ છતાં આ મહિલાને મળતું નથી ડ્રાઇવિંગ લાયસન્સ, કારણ જાણીને ચોંકી જશો
17 વર્ષની હતી ત્યારે ડ્રાઇવિંગ શીખવાની શરુઆત કરી હતી.
કરતા જાળ કરોળિયાની જેમ તે કોઇ પણ ભોગે ડ્રાઇવિંગ શીખવા માંગે છે
લંડન,6 જુલાઇ,2022,બુધવાર
વાહન ચલાવવાનું શિખવા માટે એકાગ્રતા અને રસ હોવો જરુરી છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે બ્રિટનની ૪૭ વર્ષની મહિલા ઇસાબેલ સ્ટેડમેન છેલ્લા ૩૦ વર્ષથી ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની કોશિષ કરી રહી છે પરંતુ સફળ થઇ નથી. અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અંદાજે ૧૦ લાખ રુપિયાનો ખર્ચ કરી ચુકી છે.જેમાં મોટા ભાગનો ખર્ચ ટ્રેનિંગ ફી પેટેનો છે. ઇસાબેલ માત્ર ૧૭ વર્ષની હતી ત્યારે ડ્રાઇવિંગ શીખવાની શરુઆત કરી હતી. તેણે અત્યાર સુધી ૧૦૦૦થી વધુ ટેસ્ટ આપ્યા છે.
લંડનના સુપરમાર્કેટમાં નોકરી કરતી ઇસાબેલ પોતાની કરમની કઠણાઇએ છે કે જયારે તે કારમાં પ્રવેશ કરે છે ત્યારે ભયંકર અનુભવ થવા લાગે છે. જાણે કે કયારેય કારમાં બેઠી જ નથી એવું થયા કરે છે. વિચારોની એટલી ગડમથલ ચાલે છે કે કશું જ સુઝતું નથી. ખુદને જ સમજાતું નથી શું થાય છે. અચાનક જ સ્ટ્રેસ લેવલ વધી જાય છે. જાણે કે મગજ ફાટી જશે એવું થાય છે આથી કયારેક તો બેભાન પણ થઇ જાય છે.
ઇશાબેલને ડ્રાઇવિંગ શિખવા દરમિયાન બ્લેક આઉટની સમસ્યા થવા લાગે છે. ભાનમાં આવે ત્યારે કાર રોડ પર ઉભી હોય છે અને તેનું સ્ટિયરિંગ ઇન્સ્ટ્રકટરના હાથમાં હોય છે. છેવટે રડીને ઘરે આવતી રહે છે. જો કે કાર ચલાવવાનો એકાદ ખરાબ અનુભવ થાય ત્યારે ઘણા શિખવાનું માંડવાળ કરતા હોય છે પરંતુ આટલા ભયાનક અનુભવ છતાં કાર શિખવાનો ભરોસો ગુમાવ્યો નથી. બે બાળકોની માતા ૩૦ વર્ષ સુધી કાર શીખવવાના નિષ્ફળ પ્રયત્ન પછી હાર માનતી નથી. તે પોતાની પુત્રીને કારમાં બેસાડીને કોલેજમાં મુકવા જવાની ઇચ્છા ધરાવે છે.
પોતાનાથી દૂર રહેતા સગા સંબંધીઓને કાર ડ્રાઇવિંગ કરીને મળવા જવા ઇચ્છે છે. કફોડી સ્થિતિ તો ત્યારે થાય છે જયારે નાની ઉંમરના છોકરા, છોકરીઓ તેની નજર સમક્ષ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી લે છે. તેના બે સંતાન ૨૨ વર્ષની ડોમિનિક અને ૧૭ વર્ષની સ્ટેલા પણ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી લેશે પરંતુ આ માટે તે મદદ કરી શકતી નથી એનો અફસોસ રહે છે. તેના બંને બાળકોમાં બ્લેક આઉટની કોઇ જ સમસ્યા નથી એ જાણીને રાહત રહે છે. કરતા જાળ કરોળિયાની જેમ તે કોઇ પણ ભોગે ડ્રાઇવિંગ શીખવા માંગે છે. તે ડ્રાઇવિંગ શીખવાને આજે પણ સારુ સમજે છે તેને જરાં પણ નફરત ચડતી નથી પરંતુ શીખી શકી નથી એ તેના માટે દૂખની વાત છે.