હાથકડી અને પગમાં સાંકળ..: અમેરિકાએ શેર કર્યો ડિપોર્ટ કરાયેલા ભારતીયોનો VIDEO, 'એલિયન્સ' કહીને સંબોધ્યા
USA Deportation Video : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. તેના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પણ દેખાવ કર્યા હતા. આ દરમિયાન યુએસ બોર્ડર પેટ્રોલ (USBP) એ અમેરિકન સૈન્યના વિમાનમાં ગેરકાયદે પ્રવાસી ભારતીયોને ભારત પરત મોકલવા અંગેનો એક વીડિયો શેર કર્યો છે જે હવે ભારે ચર્ચામાં છે.
યુએસના અધિકારીએ ચેતવણી સાથે વીડિયો શેર કર્યો
યુએસ બોર્ડર પેટ્રોલના અધ્યક્ષ માઈકલ ડબ્લ્યૂ. બેંક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું છે કે યુએસબીપી અને પાર્ટનર્સે સફળતાપૂર્વક ગેરકાયદે પ્રવાસીઓને ભારત મોકલી દીધા છે. આ અમેરિકાની સૌથી લાંબા અંતરની ફ્લાઈટ હતી. જો તમે ગેરકાયદે રીતે સરહદ ઓળંગશો તો તમને પરિણામ ભોગવવા પડશે.
હાથકડી અને પગમાં સાંકળ...
અમેરિકાના અધિકારીએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાછા મોકલાયેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના હાથમાં હથકડીઓ અને પગમાં સાંકળ બાંધેલી છે જેમાં તેઓ કેદીઓ જેવા લાગી રહ્યા છે. તેને લઈને ભારતની સંસદમાં પણ હોબાળો થતો જોવા મળ્યો હતો.
અમેરિકન દૂતાવાસનું નિવેદન
ભારતીયોના ડિપોર્ટેશન બાદ અમેરિકાના દૂતાવાસે કહ્યું કે જો તમે ગેરકાયદે રીતે સરહદ ઓળંગશો તો તમને પાછા મોકલી દેવાશે. અમારા દેશના ઈમિગ્રેશન કાયદાને કડક કરવા અમેરિકન લોકોની સુરક્ષા અને અમારા લોકોના હિતો માટે જરૂરી છે. આ અમારી પોલિસી છે કે અમે દરેક સંભવ રીતે ઈમિગ્રેશનના કાયદાને લાગુ કરીએ.