60 લાખની વસતી ધરાવતા દેશે ટ્રમ્પની ઠેકડી ઉડાડી, ગ્રીનલેન્ડના જવાબમાં કેલિફોર્નિયા ખરીદવા તૈયાર
Denmark: ગત મહિને અમેરિકાના પ્રમુખ પદ પર પાછા ફર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું અમેરિકન રાજ્ય બનાવવાની વાત કરી, પનામા કેનાલને પોતાના કબજામાં લેવાનું સૂચન કર્યું, ગાઝા પર અમેરિકાના નિયંત્રણની યોજના બનાવી અને ગ્રીનલેન્ડને ખરીદવાનો પ્રયાસ કર્યો. તેમના આ નિર્ણયોનો ઘણો વિરોધ પણ થયો. કેનેડા અને ચીને પણ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે આ વચ્ચે 60 લાખની વસતી ધરાવતો દેશ ડેન્માર્કે ટ્રમ્પની ઠેકડી ઉડાડી છે. ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની ધમકી વચ્ચે ડેનમાર્કે અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાને ખરીદવાની ધમકી આપી છે.
ડેન્માર્કે ટ્રમ્પની ઠેકડી ઉડાડી
ડેન્માર્કના 2 લાખથી વધુ નાગરિકોએ એક અરજી પર હસ્તાક્ષર કર્યા છે જેમાં તેમણે અમેરિકા પાસેથી કેલિફોર્નિયા ખરીદવાની વાત કરી છે. આ અરજીમાં લખ્યું છે કે, 'શું તમે ક્યારેય કોઈ નકશાને જોઈને વિચાર્યું છે, તમને ખબર છે, ડેનમાર્કને વધુ સૂર્યપ્રકાશ, પામ વૃક્ષો અને રોલર સ્કેટની જરૂર છે. આપણી પાસે આ સ્વપ્નને સાકાર કરવાની એક તક છે. ચાલો આપણે ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી કેલિફોર્નિયા ખરીદીએ!'
ટ્રમ્પ પર કર્યો કટાક્ષ
આ અરજીની વેબસાઈટ ઉપર એક નારો લખ્યો છે- 'Make California Great again'. આ નારો ટ્રમ્પ પર એક કટાક્ષ છે. કારણ કે, તેઓ પોતાના પ્રચારમાં 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન'નો દાવો કરતા રહ્યા છે. આ અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ લોકો કેલિફોર્નિયાને 'ન્યૂ ડેન્માર્ક' બનાવવા માગે છે.
આ પણ વાંચો: અમેરિકાના પ્રવાસ પૂર્વે PM મોદીના વિમાન પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને આવ્યો કૉલ
હોલિવૂડને લઈને પણ કર્યો દાવો
અરજીમાં લખ્યું છે કે, 'અમે હોલિવૂડમાં આરામદાયક જીવન વિતાવીશું, બેવર્લી હિલ્સમાં સાઈકલ લેન બનાવીશું અને દરેક રસ્તાના ખૂણા પર ઓર્ગેનિક સ્મોર્સબ્રેડ લાવીશું. ડેન્માર્કના લોકોએ કહ્યું કે, 'ટ્રમ્પ હંમેશા કેલિફોર્નિયાની વિરુદ્ધ રહ્યા છે. પરંતુ આ રાજ્ય ખરીદ્યા પછી, અમે તેને એક નવી ઓળખ આપીશું.'
85% લોકોનો અમેરિકા સાથે જવાનો ઈનકાર
તાજેતરમાં ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાનાનિવેદન અંગે લોકમત યોજાયો હતો. તેમાં લગભગ 85% લોકોએ અમેરિકા સાથે જવાનો ઈનકાર કરી દીધો હતો. આ સર્વે ડેન્માર્કના ન્યૂઝ પેપર બર્લિંગસ્ક દ્વારા પોલસ્ટર વેરિયને કર્યો હતો, જે દર્શાવે છે કે માત્ર 6% લોકો એવા છે જે અમેરિકા સાથે જવા માગે છે. બીજી તરફ સર્વેમાં 9% લોકોએ અમેરિકા સાથે જવા અંગે પોતાનો અભિપ્રાય આપવાનો ઈનકાર કરી દીધો.
શું છે ગ્રીનલેન્ડ
બરફથી ઢંકાયેલો નાનો દેશ ગ્રીનલેન્ડ 1953 સુધી ડેનમાર્કની વસાહત હતો. આ ટાપુ દેશ પર હજુ પણ ડેનમાર્કનું નિયંત્રણ છે પરંતુ 2009થી ત્યાં સેમી-ઓટોનોમસ સરકાર છે. સ્થાનિક નીતિઓથી લઈને અન્ય બાબતો પર ગ્રીનલેન્ડ સરકાર જ નિર્ણયો લે છે. પરંતુ સંરક્ષણ અને વિદેશી બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર ડેન્માર્ક પાસે છે. ગ્રીનલેન્ડને તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ ગ્રીનલેન્ડના બહાને અમેરિકા સમગ્ર આર્કટિક ક્ષેત્રમાં પોતાનો હસ્તક્ષેપ વધારવા માંગે છે. આ હેતુ માટે તેમણે વારંવાર તેને અમેરિકામાં સમાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.