રશિયા-યુક્રેન યુધ્ધની અસરઃ ડેનમાર્ક હવે મહિલા સૈનિકોની પણ ભરતી કરશે, અત્યારે સેનામાં 9000 સૈનિકો છે
image : Socialmedia
કોપનહેગન,તા.15 માર્ચ 2024,શુક્રવાર
રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધની આગ આખા યુરોપને દઝાડી રહી છે.
યુરોપના દેશ ડેનમાર્કે વર્તમાન પરિસ્થિતિને જોતા 1990 બાદ પહેલી વખત પોતાની સેનાનુ વિસ્તરણ કરવાનુ નક્કી કર્યુ છે અને તેના માટે સેનામાં મહિલાઓની ભરતી કરવાની જાહેરાત કરી છે. સાથે સાથે અત્યારે કામચલાઉ રીતે જોડાતા સૈનિકો માટે સેનામાં ફરજ બજાવવાનો કાર્યકાળ પણ ચાર મહિનાથી વધારીને 11 મહિનાનો કરવાનુ એલાન કર્યુ છે. આ નિયમ મહિલા સૈનિકો માટે પણ લાગુ પડશે.
ડેનમાર્કના પીએમ મેટ ફ્રેડરિકસને કહ્યુ હતુ કે, સેનામાં ભરતીને અમે વિસ્તૃત સ્વરુપ આપવા માંગીએ છે. નવી રણનીતિ પ્રમાણે યુવાઓનો રેશિયો વધારવામાં આવશે. વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડકારો સર્જાયા છે ત્યારે અમે યુધ્ધ ભડકાવવા માટે નહીં પણ યુધ્ધ ટાળવા માટે સંગઠિત થઈ રહ્યા છે.
ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યારે ડેનમાર્કની સેનામાં 9000 પ્રોફેશનલ સૈનિકો છે. જ્યારે 4700 જેટલા સૈનિકો શરૂઆતની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ડેનમાર્કનો ઈરાદો આગામી પાંચ વર્ષમાં સૈન્ય ખર્ચ 5.9 અબજ ડોલર સુધી વધારવાનો છે. 1990ના દાયકાના પ્રારંભમાં રશિયા અને અમેરિકા વચ્ચેનુ કોલ્ડ વોર ખતમ થઈ ગયુ ત્યાર પછી ડેનમાર્કે પોતાની સૈન્ય શક્તિ ઓછી કરી દીધી હતી.
પણ યુક્રેન સાથે યુધ્ધ લડી રહેલુ રશિયા નાટો દેશોને પણ પોતાના દુશ્મન માને છે અને રશિયન રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી છે કે, રશિયા હવે ફિનલેન્ડની સીમા પર પણ પોતાની સેના મોકલશે અને તેના કારણે ડેનમાર્કની ચિંતા વધી ગઈ છે.