બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં દેખાવો હિંસક બન્યા, બેનાં મોત
- ચાર હજારથી વધુ સમર્થકોનો ચક્કાજામ, સૈન્ય પર હુમલો, વાહનો સળગાવ્યા
- ભારતમાં ઘૂસી રહેલા ૧૧ બાંગ્લાદેશીઓ ઝડપાયા, બંગાળના ૨૪ મજૂરો પાસે નકલી આધારકાર્ડ મળતા પોલીસે પકડયા
- બાંગ્લાદેશના મુસ્લિમો હિન્દુઓ, શીખો અને ખ્રિસ્તી લઘુમતીઓના રક્ષણ માટે આગળ આવે : મોહમ્મદ યુનુસ
- રાજીનામુ ના આપ્યું હોત તો દેશમાં લાશોના ઢગ હોત, અમેરિકાએ બાંગ્લાદેશ ભડકે બાળ્યું, ટૂંક સમયમાં પરત ફરીશ : શેખ હસીના
ઢાકા: બાંગ્લાદેશમાં અત્યાર સુધી શેખ હસીનાની સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા, હવે શેખ હસીનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને દેશમાં પરત લાવવાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઢાકા-ખુલના હાઇવે પર ચક્કાજામ કર્યો હતો અને તેને બંધ કરી દીધો હતો. જેને પગલે લોકોને હટાવવા માટે આવેલા સૈન્ય અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામસામે હિંસા થઇ હતી. શેખ હસીનાના સમર્થકોએ સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો અને સ્થળેથી ખસી જવાની ના પાડી દીધી હતી.
રિપોર્ટ અનુસાર હજારોની સંખ્યામાં શેખ હસીનાના પક્ષ અવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક સમર્થકો એકઠા થયા હતા અને સૈન્ય વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા હતા. પથ્થરમારાને પગલે વિફરેલા સૈન્યએ બાદમાં લાઠીચાર્જ કર્યો હતો અને શેખ હસીનાના સમર્થકોએ ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, જવાબમાં પ્રદર્શનકારીઓએ પણ સૈન્યના વાહનોમાં તોડફોડ કરીને તેને આગ લગાવી દીધી હતી. આ વિસ્તારમાં આશરે ત્રણથી ચાર હજાર લોકો શેખ હસીનાના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા હતા. દરમિયાન સૈન્યએ સ્થિતિને કાબુ કરવા માટે ગોળીબાર પણ કર્યો હતો જેમાં એક બાળક સહિત બે લોકો માર્યા ગયા હતા.
બાંગ્લાદેશમાં હાલ સત્તા સંભાળનારા નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા હુમલા અટકાવવામાં આવે અને મુસ્લિમ સમાજના લોકો દેશના લઘુમતીઓ હિન્દુ, શીખ, ખ્રિસ્તી વગેરેના રક્ષણ માટે આગળ આવે. બાંગ્લાદેશના હિન્દુ સંગઠનો બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ એકતા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદે જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટના રોજ શેખ હસીનાના દેશ છોડયા બાદ હિન્દુઓ પર અત્યાચારની ૨૦૦થી વધુ ઘટના સામે આવી ચુકી છે. દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની સરહદે હાલ સન્નાટો છવાયો છે. સરહદે બન્નેબાજુ સુરક્ષાદળો હાઇ એલર્ટ પર છે. પશ્ચિમ બંગાળના કોલકાતાથી ૮૦ કિમી દૂર આવેલા બોંગોન વિસ્તારમાં ભારત અને બાંગ્લાદેશનો વેપાર થતો હોય છે. આ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં હજારો ટ્રેક નિકળે છે જોકે હિંસાને પગલે એક સપ્તાહથી અહીંયા સન્નાટો છે. ભારત આવી રહેલા ટ્રક ડ્રાઇવરો જણાવે છે કે કેટલાક વિસ્તારોમાં શાંતિ તો કેટલાક વિસ્તારમાં તલવારો સાથે હજારોનું ટોળુ જોવા મળ્યું હતું. જ્યારે બીએસએફએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રવેશનો પ્રયાસ કરી રહેલા ૧૧ બાંગ્લાદેશીઓની સરહદે ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ શેખ હસીના પાંચ તારીખે બાંગ્લાદેશ છોડે તે પહેલા દેશના નાગરિકો માટે એક વીડિયો સંદેશો મોકલવા માગતા હતા, જોકે તેમને આ સંદેશો આપતા બાંગ્લાદેશના સૈન્યએ અટકાવ્યા હતા. જેને પગલે તેઓ બાદમાં ભારત આવી ગયા હતા. હવે શેખ હસીનાનો આ વીડિયો સંદેશો સામે આવ્યો છે. જેમાં તેમણે બાંગ્લાદેશની આ હિંસક સ્થિતિ અને સત્તા છોડવા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું. હસીનાએ કહ્યું હતું કે લાશોના ઢગલા ના જોવા પડે માટે મે રાજીનામુ આપી દીધુ છે. અમેરિકા બાંગ્લાદેશના સેંટ માર્ટિન ટાપુ પર કબજો કરવા માગતું હતું, આ ટાપુ સોંપી દેવા અમેરિકાએ ધમકીઓ આપી હતી.
શેખ હસીનાએ જણાવ્યું હતું કે અમેરિકા બંગાળની ખાડીમાં પ્રભુત્વ જમાવવા માટે આ ટાપુ પર કબજો કરવા માગતું હતું. મે ના પાડી દીધી અને દેશની શાંતિ માટે રાજીનામુ આપ્યું, હું બાંગ્લાદેશના નાગરિકોને વિનંતી કરવા માગુ છું કે તેઓ કટ્ટરવાદીઓની વાતોમાં આવીને ઉશ્કેરાય નહીં અને શાંતિ જાળવી રાખે. જો હું બાંગ્લાદેશમાં રહી હોત તો વધુ લોકો માર્યા ગયા હોત. હું ટૂંક સમયમાં બાંગ્લાદેશ પાછી ફરીશ, મારી હાર ભલે થઇ પણ જીત બાંગ્લાદેશના લોકોની છે. બીજી તરફ ભારતમાં બાંગ્લાદેશીઓ પર ચાંપતી નજર રખાઇ રહી છે. બંગાળના મજૂરોને શંકાની દ્રષ્ટીએ જોવામાં આવી રહ્યા છે. લોકો આ મજૂરો પર બાંગ્લાદેશી હોવાની શંકા કરી રહ્યા છે. અહીંની સંબલપુર પોલીસે જણાવ્યું હતું કે આ મજૂરો ભલે બાંગ્લાદેશી ના હોય પણ કેટલાક મજૂરોની પાસેથી નકલી આધાર કાર્ડ મળી આવ્યા છે. આવા લોકોની તપાસ માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.
- અમેરિકા કબજો કરવા માગે છે તે ટાપુનો ઇતિહાસ
નવી દિલ્હી: બંગાળની ખાડીમાં બાંગ્લાદેશનો એક માત્ર ટાપુ સેંટ માર્ટિન આવેલો છે. જેને અમેરિકાએ બાંગ્લાદેશ પાસેથી માગ્યો છે. આ સ્થળને કોકોનટ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં આશરે ચાર હજાર જેટલા લોકો રહે છે. ૧૮મી સદીમાં આ ટાપુ વેપારનું કેન્દ્ર ગણાતો હતો. શરૂઆતમાં તેનું નામ ઝઝીરા રાખવામાં આવ્યું હતું. ૧૯૦૦માં એક બ્રિટિશ ભૂમિ સર્વેક્ષણ દળે સેંટ માર્ટિન ટાપુને બ્રિટિશ ભારતનો હિસ્સો જાહેર કર્યો હતો અને તેને ખ્રિસ્તી પાદરી સેંટ માર્ટિનનુ નામ આપ્યું હતું. એવા પણ રિપોર્ટ છે કે આ ટાપુનું નામ ચટગાંવના તત્કાલીન ડેપ્યુ. કમિશન માર્ટિનના નામે રાખવામાં આવ્યું છે. ૧૯૩૭માં મ્યાંમારથી અલગ થયા બાદ તે ભારતનો હિસ્સો બની ગયો, ૧૯૪૭માં વિભાજન સમયે તે પાકિસ્તાનનો હિસ્સો બન્યો, બાદમાં ૧૯૭૧માં બાંગ્લાદેશના હિસ્સામાં આવ્યો હતો.
આ ટાપુની આસપાસ ચીન પણ પોતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. જ્યારે ચીનને રોકવા માટે અમેરિકા પણ આ ટાપુ પર કબજો કરવા માગે છે.