ડેમોક્રેટસને જ બાયડેનના વિજય અંગે શંકા છે, ગત સપ્તાહે ડીબેટમાં તેમના નબળા દેખાવ પછી ઘણાનું મંતવ્ય
બાયડેનની પાર્ટી 'ડેમોક્રેટિક પાર્ટી'માં જ ઘણા કહે છે, તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવા પૂરતા તૈયાર નથી, પૂરતા સક્ષમ નથી
વોશિંગ્ટન: મૂળભુત રીતે તો જો બાયડેનને પ્રતિબદ્ધ તેવા ઘણાએ ડેમોક્રેટસ તેમના રી-ઇલેકશન અંગે શંકા સેવે છે. ખાસ કરીને ગત સપ્તાહે તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ-ટ્રમ્પ સામેની ડીબેટમાં તેઓએ કરેલા નબળા દેખાવ પછી તેમના જ પક્ષના ચૂંટાયેલા સાંસદો પણ કહે છે કે, બાયડેને સ્પર્ધામાંથી જ ખસી જવું જોઈએ.
ગત સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી દ્વંદ-ચર્ચા (ડીબેટ) પહેલા ઘણા (મોટા ભાગના) ડેમોક્રેટસ બાયડેનને પુષ્ટિ આપતા હતા, પરંતુ તે ચર્ચામાં બાયડેને કરેલા નબળા દેખાવ પછી તેઓમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. મોટા ભાગના ડેમોક્રેટસ પણ હવે માને છે કે જયાં સુધી રાજકીય અને વ્યૂહાત્મક નીતિઓને સંબંધ છે ત્યાં સુધી રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાયડેન સામનો કરવા માટે પૂરતા સક્ષમ દેખાતા ન હતા કે પૂરતા તૈયાર પણ દેખાતા ન હતા.
આમ બાયડેન ઉપર સ્પર્ધામાંથી જ ખસી જવા દબાણ થઇ રહ્યું છે. કેટલાક ડોનર્સ પણ હવે અનુદાનો આપ્યા પછીએ બાયડેનને સ્પર્ધામાંથી ખસી જવા દબાણ કરી રહ્યા છે.
અમેરિકાના નીચલા ગૃહ હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝના ૨૫ જેટલા ડેમોક્રેટ સાંસદોએ બાયડેનને પ્રમુખ પદની ચૂંટણીમાંથી વિધિવત ખસી જવા લખી મોકલવા વિચાર કર્યો છે, તેમ ગૃહના એક ડેમોક્રેટ એઇડે જ કહ્યું હતું. બીજા એક એઇડે પણ આ અંગે અગ્રીમતા દર્શાવતા કહ્યું હતું કે અમે બાયડેનને વિધિવત પત્ર લખી દેશના પ્રમુખપદ માટેની સ્પર્ધામાંથી ખસી જવા માટે જણાવવા માગીએ છીએ.
ટૂંકમાં, ચૂંટણી તો નવેમ્બરમાં યોજાવાની છે, પરંતુ અત્યારથી જ બાયડેન માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે.
ટ્રમ્પ અત્યરે ૫૨ ટકા સાથે, ૪૬ ટકા મત ધરાવતા બાયડેન કરતાં ઘણા આગળ છે.