ડેમોક્રેટ-ડોનર્સ બાયડેનને રેસમાંથી ખસી જવા કહે છે : 9 કરોડ ડોલરનું અનુદાન અટકાવી દીધું છે

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
ડેમોક્રેટ-ડોનર્સ બાયડેનને રેસમાંથી ખસી જવા કહે છે : 9 કરોડ ડોલરનું અનુદાન અટકાવી દીધું છે 1 - image


- બાયડેને વિદેશ નીતિ પર તેમની પકડ જરૂર દર્શાવી છે પરંતુ બીજી અનેક બાબતોમાં ભારે ભાંગરા વાટયા છે

વોશિંગ્ટન : ડેમોક્રેટિક પાર્ટીના કેટલાયે દાતાઓ બાયડેને કરેલા શ્રેણીબદ્ધ બફાટથી નારાજ છે, અને પાર્ટીની સર્વોચ્ચ કાર્યકારીણી સમિતિના અગ્રણીઓએ જણાવ્યું છે કે, આ કારણને લીધે જ પાર્ટીના મોટા-મોટા દાતાઓએ ૯ કરોડ ડોલરનું અનુદાન અટકાવી દીધું છે.

આ માહિતી આપતાં 'ન્યૂયોર્ક ટાઈમ્સ' જણાવે છે કે, એક તરફ બાયડેન તેઓના જ પક્ષમાં ઊભી થયેલી કટોકટીને એક તરફ રાખી પ્રમુખપદ માટેની સ્પર્ધામાં બીજીવાર ઝુકાવવા નિર્ણય કર્યો છે. ત્યારે જ પાર્ટીના દાતાઓ તેઓને પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી જવા અનુરોધ કરે છે. તેના મુખ્ય કારણો તે છે કે, એક તરફ તેઓએ, તેઓના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં પણ બફાટ કરી નાખ્યો હતો, તો બીજી તરફ ગુરૂવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓએ બફાટ ઉપર બફાટ કર્યા હતા. જોકે તે સમયે વિદેશ નીતિ અંગે તેઓની મજબૂત પકડ ચોક્કસ દેખાતી હતી. પરંતુ અન્ય અનેક બાબતોમાં તેઓએ ભાંગરો જ વાટયો હતો. તેથી તેઓ જીતી શકશે કે કેમ તેની બહુ સંખ્ય ડેમોક્રેટસને શંકા છે.

તે કારણે પાર્ટીને દાન આપનારાઓએ તેમના અનુદાનો અટકાવી રાખ્યાં છે અને તેઓ જ બાયડેનને રેસમાંથી ખસી જવા ભારપૂર્વક અનુરોધ કરે છે. આમ છતાં બાયડેન રેસમાં રહેવા માટે મક્કમ છે.

નિરીક્ષકો માને છે કે, એક તરફ પોતાની પાર્ટીમાં જ તેમની પ્રત્યે નકારાત્મકતા વધી રહી છે, તો બીજી તરફ રીપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પની લોકપ્રિયતા વધી રહી છે. સંભવ તે પણ છે કે ટ્રમ્પ વિજયી બને, જો આમ બનશે તો વિશ્વ માટે પણ 'એન્ક્ષીયસ-મેરા' (ચિંતાજનક યુગ) શરૂ થવા સંભવ છે.


Google NewsGoogle News