45 વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળતાં ડેમી મૂર ભાવુક
- 62 વર્ષની ડેમી મૂરને ધ સબસ્ટન્સ ફિલ્મની ભૂમિકા માટે એવોર્ડ
- મને પોપકોર્ન એક્ટ્રેસ જ ગણાવાઈ, આ સન્માનની ક્યારેય કલ્પના ન હતી, ડેમી મૂરનું વકતવ્ય ભારે વાયરલ થયું
લોસ એન્જેલસ : 'ધ સબસ્ટન્સ' ફિલ્મમાં ભૂમિકા ભજવવા બદલ ૬૨ વર્ષની ડેમી મૂરને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ૨૦૨૫માં મ્યુઝિકલ અથવા કોમેડી ફિલ્મ કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળતાં ભાવુક બની ગયેલી ડેમી મૂરે આપેલું વકતવ્ય વાઇરલ બની ગયું હતું. પાંચ જાન્યુઆરીએ મંચ પરથી આપેલાં ડેમીના આ વક્તવ્યને સાડા ચાર લાખ લોકોએ જોયું હતું.
અગાઉ ૧૯૯૧માં 'ઘોસ્ટ' ફિલ્મ અને ૧૯૯૭માં' ઇફ ધીસ વોલ કુડ ટોક' ફિલ્મ માટે એમ બે વાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થયેલી પણ એવોર્ડ જીતી ન શકેલી ડેમી મૂરે ત્રીજીવાર નોમિનેશન મેળવી એવોર્ડ જીત્યા બાદ આપેલાં વક્તવ્યને ઈન્ટરનેશનલ મીડિયાએ ખાસ સ્થાન આપ્યું છે.
ડેમી મૂરે મંચ પરથી જણાવ્યું હતું કે હું ખરેખર આ એવોર્ડ જીતીશ એવી કોઇ એપેક્ષા ધરાવતી નહોતી. હું લાંબા સમયથી એટલે કે ૪૫ કરતાં વધારે વર્ષથી આમ કરવા ટેવાયેલી છું અને આ પહેલીવાર એક એક્ટર તરીકે હું કોઇ એવોર્ડ જીતી રહી છું. હું નમ્રતાપૂર્વક સર્વેનો આભાર માનું છું. મૂરે ઉમેર્યું હતું કે, એક સમયે નિર્માતાઓ મને પોપકોર્ન એક્ટ્રેસ ગણી નકારી કાઢતાં હતા. તેઓ એમ માનતાં હતા કે હું માત્ર કમર્શિયલી લોકપ્રિય ફિલ્મોમાં જ સફળ બની શકું. પણ મારી પ્રતિભાને કોઇએ પોંખી નહોતી.
હું જ્યારે મારી કારકિર્દીના સાવ તળિયે હતી ત્યારે મને આ જાદુઇ, બોલ્ડ અને હિંમતવાન, એકદમ અસામાન્ય ફિલ્મ 'ધ સબસ્ટન્સ'ની પટકથા મળી અને મને લાગ્યું કે બ્રહ્માંડ મને કહી રહ્યું છે કે હજી તારો સમય પુરો થયો નથી. મને એક મહિલાએ કહ્યું હતું કે તમને કદી તમારાથી સંતોષ નહીં થાય, પણ જો તમે સરખામણી કરવાની માપપટ્ટી બાજુએ મુકશો તો જ તમે તમારું મૂલ્ય કરી શકશો. અને આજે હું મારી સમગ્રતાને આંકતા આ એવોર્ડની ઉજવણી કરી રહી છું.
આ વક્તવ્યના પ્રતિભાવમાં લાખો વાચકોએ ડેમીની પ્રશંસા કરતી પોસ્ટ મુકી તેને આ એવોર્ડ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.