બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત કફોડી! લઘુમતીઓની સુરક્ષા માટે સરકાર પાસે કરાઈ આઠ માગ
Bangladesh Minority Rights : બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારે માઝા મૂકી છે. ઓગસ્ટ 2024માં હસીના સરકારના પતન પછી સ્થિતિ વધુ ગંભીર બની છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પતન થયું છે. પોતાના હક માટે અવાજ ઉઠાવવા માટે હિન્દુઓ સરઘસ કાઢે ત્યારે એમના પર દમન કરવામાં આવે છે. હિન્દુઓનું નેતૃત્વ કરી રહેલા ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના’ (ઈસ્કોન) સાથે સંકળાયેલા હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે ઢાકાના એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. તેમના જામીન પણ નામંજૂર કરી દેવાયા છે. ચિન્મય કૃષ્ણ દાસ ‘બાંગ્લાદેશ સંમિલિત સનાતન જાગરણ જોટે’ના પ્રવક્તા પણ છે. આ જૂથ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને અધિકારો માટે હાકલ કરી રહ્યું છે. એમની માંગના 8 મુદ્દા નીચે મુજબ છે.
1. તટસ્થ તપાસ પંચની રચના કરો
લઘુમતીઓ, ખાસ કરીને સનાતની હિન્દુઓને અત્યાચાર સામે ન્યાય મળે એ માટે તટસ્થ તપાસ પંચની રચનાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ગુનેગારોને ઝડપથી અને યોગ્ય સજા મળે એ માટે ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ટ્રિબ્યુનલની સ્થાપના કરાય તેમજ પીડિતોને પૂરતું વળતર મળે અને એમનું પુનર્વસન થાય, એવી માંગ કરવામાં આવી છે.
2. લઘુમતી સંરક્ષણ કાયદો તાત્કાલિક લાગુ કરો
બાંગ્લાદેશમાં ઈસ્લામ મુખ્ય ધર્મ છે. ત્યાંની 91 ટકા વસ્તી મુસ્લિમ છે. બાકીના 9 ટકામાં હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે ધર્મના લોકોનો સમાવેશ થાય છે. લઘુમતી હોવાથી તેઓ છાશવારે તેમની ધાર્મિક રીતરસમો, ભાષા અને સંસ્કૃતિને કારણે હિંસા અને અત્યાચારનો ભોગ બનતા રહે છે. તેથી તેમની સુરક્ષા માટે લઘુમતી સંરક્ષણ કાયદો તાત્કાલિક લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધની માગની વધુ એક અરજી દાખલ, ગણાવાયું કટ્ટરપંથી સંગઠન
3. લઘુમતી બાબતોનું મંત્રાલય બનાવો
બાંગ્લાદેશમાં ધાર્મિક બાબતોનું મંત્રાલય છે જે લઘુમતી સમુદાયોની ધાર્મિક બાબતોની પણ દેખરેખ રાખે છે. જોકે, લઘુમતી સમુદાયોની વિશિષ્ટ જરૂરિયાતો અને સમસ્યાઓના નિરાકરણ માટે દેશમાં કોઈ વિશિષ્ટ મંત્રાલય નથી, તેથી એવા એક મંત્રાલયની માંગ પણ લઘુમતીઓ દ્વારા ઊઠાવવામાં આવી છે.
4. હિન્દુ વેલફેર ટ્રસ્ટને હિન્દુ ફાઉન્ડેશનમાં અપગ્રેડ કરો
લઘુમતીઓ દ્વારા રજૂ કરાયેલા આઠ મુદ્દાની માંગમાં ‘હિન્દુ ફાઉન્ડેશન’ની રચના કરવાની માંગ પણ કરવામાં આવી છે. હિન્દુ સમુદાયના કલ્યાણ માટે બાંગ્લાદેશ સરકાર દ્વારા 1983માં ‘હિન્દુ વેલફેર ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી હતી, જે હજુય કાર્યરત છે, પણ ખાટલે મોટી ખોડ છે એના વહીવટમાં. આ પ્રકારની સંસ્થાઓનું સંચાલન ટ્રસ્ટીઓ દ્વારા થતું હોય છે, જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુ વેલફેર ટ્રસ્ટનું સંચાલન સરકાર પોતે કરે છે. મુસ્લિમ દેશની મુસ્લિમ સરકાર હિન્દુ ટ્રસ્ટનું સંચાલન કેવુંક કરતી હશે, એ મુદ્દો વિચારવાલાયક છે. તેથી આ સંસ્થાનું સંચાલન બાંગ્લાદેશના હિન્દુઓને સોંપવામાં આવે અને એમાં કોઈ સરકારી દખલગીરી કરવામાં ન આવે, એવી માંગ સાથે ‘હિન્દુ વેલફેર ટ્રસ્ટ’ને ‘હિન્દુ ફાઉન્ડેશન’માં અપગ્રેડ કરવાની મજબૂત રજૂઆત કરવામાં આવી છે. બરાબર એ જ પ્રકારે, બૌદ્ધ અને ખ્રિસ્તી કલ્યાણ ટ્રસ્ટને પણ અપગ્રેડ કરવાની માંગ મૂકવામાં આવી છે.
5- લઘુમતીની મિલકતનું રક્ષણ કરો
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી બાંગ્લાદેશમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો, જે મુજબ કોઈપણ કારણસર દેશ (ત્યારનું ‘પૂર્વ પાકિસ્તાન’) છોડીને બીજા દેશમાં જતા રહેલા નાગરિકોની સંપત્તિ પર કબજો કરવાનો હક સરકાર મળી જતો હતો. આ કાયદાનું સૌથી મોટું નુકશાન પોતાની સુરક્ષા માટે સરહદ ઓળંગીને ભારત આવી ગયેલા હિન્દુઓને થયું હતું. તેઓ પરત પૂર્વ પાકિસ્તાન ગયા ત્યારે એમની સંપત્તિ સરકાર દ્વારા જપ્ત થઈ ચૂકી હતી.
આ અન્યાયી કાયદો બાંગ્લાદેશમાં હજુ પણ ચાલુ છે, એનો ગેરલાભ લઈને લઘુમતીઓની મિલકત આજે પણ છીનવી લેવાય છે. લઘુમતીઓ કોર્ટમાં કેસ કરે તો વર્ષો સુધી કેસનો નિવેડો નથી લવાતો જેને લીધે લઘુમતી કોમના લોકો પાયમાલ થઈ જાય છે. આ કાયદાના વિરોધમાં લઘુમતીઓએ તેમની મિલકતના રક્ષણ માટે નવો કાયદો બનાવવાની માંગ કરી છે.
6. શૈણક્ષિક સંસ્થાઓમાં પ્રાર્થના ખંડ ફાળવો
બાંગ્લાદેશની શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના ખંડ અથવા મસ્જિદો હોય છે, પણ લઘુમતીઓ માટે આવી સવલત હોતી નથી. 2022માં ઢાકા યુનિવર્સિટીએ લઘુમતી વિદ્યાર્થીઓ માટે દેશનો પ્રથમ બહુ-ધર્મ પ્રાર્થના ખંડ ખોલ્યો હતો, જેમાં હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે એમના ઈષ્ટ દેવોની છબીઓ મૂકવામાં આવી હતી. જોકે, એ એકમાત્ર ઉદાહરણ સિવાય આખા બાંગ્લાદેશમાં ક્યાંય આવી સગવડ નથી, તેથી ત્યાંના હિન્દુઓ તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજો, શાળાઓ અને હોસ્ટેલમાં લઘુમતી વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના ખંડ ફાળવાની માંગ કરી રહ્યા છે.
7. સંસ્કૃત અને પાલી શિક્ષણ બોર્ડનું આધુનિકરણ કરો
બાંગ્લાદેશમાં લઘુમતી વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત અને પાલી ભાષામાં ભણવાની સગવડ છે. હિન્દુ વિદ્યાર્થીઓ હિન્દુ ગ્રંથો, જ્યોતિષ અને આયુર્વેદ વગેરેનો અભ્યાસ સંસ્કૃતમાં કરી શકે છે, તો બૌદ્ધ વિદ્યાર્થીઓ માટે પાલી ભાષામાં સૂત્ર, વિનય અને અભિધમ્માના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. જોકે, આ સગવડ અપૂરતી છે, અને બધે ઉપલબ્ધ નથી. એક સમયે બાંગ્લાદેશમાં સંસ્કૃત માટે માન્ય કોલેજોની સંખ્યા 110 હતી અને પાલી માટે 88 હતી. બંને ભાષાની પરીક્ષા માટે 50 કેન્દ્રો હતા. છેલ્લા થોડા વર્ષોમાં આ સંખ્યા ઉત્તરોત્તર ઘટતી ગઈ છે, જેને લીધે ત્યાંના લઘુમતીઓ શૈક્ષણિક સંસાધનોને વધારવાની તથા સંસ્કૃત અને પાલી શિક્ષણ બોર્ડના આધુનિકીકરણ કરવાની માંગ કરી રહ્યા છે.
8. દુર્ગા પૂજા તહેવાર પર રજાના દિવસો વધારો
બંગાળીઓ માટે દુર્ગા પૂજાનો તહેવાર ખૂબ મહત્ત્વનો ગણાય છે. આ તહેવારમાં બાંગ્લાદેશમાં ફક્ત એક દિવસની જાહેર રજા હોય છે, તેથી ત્યાંના હિન્દુઓએ રજાના દિવસો વધારીને 5 કરવાની માંગ મૂકી છે.