સિડનીના હેરિસ પાર્ક વિસ્તારને 'લિટલ ઈન્ડિયા' નામ આપવાની માંગ, ભારતીય સમુદાયને પીએમ મોદીના ઓસી પ્રવાસનો ઈંતેઝાર
નવી દિલ્હી,તા.22 એપ્રિલ 2023,શનિવાર
મે મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયાના પ્રવાસને લઈને સિડનીમાં રહેતા ભારતીય સમુદાયમાં ખાસી ઉત્સુકતા છે.
તેની પાછળનુ કારણ એ છે કે, ભારતીય સમુદાય સિડનીના હેરિસ પાર્ક વિસ્તારને લિટલ ઈન્ડિયા નામ આપવામાં આવે તેવી માંગણી કેટલાક સમયથી કરી રહ્યો છે અને પીએમ મોદીના પ્રવાસ દરમિયાન આ માંગણી પૂરી થશે તેવુ તેમને લાગી રહ્યુ છે.
ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ પ્રમાણે હેરિસ પાર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ અને દુકાનો મોટા પ્રમાણમાં છે. અહીંયા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં સ્થાયી થયા છે ત્યારે તેમનુ માનવુ છે કે, લિટલ ઈન્ડિયા નામ આપવાના કારણે અહીંયા ટુરિઝમને પણ વેગ મળશે.
2015માં હેરિસ પાર્ટને લિટલ ઈન્ડિયા નામ આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે સ્થાનિક કાઉન્સિલ દ્વારા આ નામના ઉપયોગ પર રોક લગાવવામાં આવી હતી. તેમનુ કહેવુ હતુ કે ,તેના કારણે ગૂંચવણ ઉભી થાય તેમ છે.
લિટલ ઈન્ડિયા હેરિસ પાર્ક બિઝનેસ એસોસિએશનના સંજય દેશવાલનુ કહેવુ છે કે, લિટલ ઈન્ડિયા નામના કારણે ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો આ વિસ્તાર તરફ આકર્ષાશે. નામ બદલવા માટે સ્થાનિક સત્તાધીશો સાથે વાતચીત ચાલુ છે.
એક રિપોર્ટ પ્રમાણે અહીંયા રહેતા 45 ટકા લોકો ભારતીય મૂળના છે. પીએમ મોદી ક્વાડ સંમેલન માટે મે મહિનામાં ઓસ્ટ્રેલિયા આવશે ત્યારે સિડનીના ભારતીય સમુદાયને સંબોધિત કરશે. હેરિસ પાર્ક વિસ્તારનુ સંચાલન કરતી પેરામેટા કાઉન્સિલે પીએમ મોદીને હેરિસ પાર્ક આવવા માટે આમંત્રણ આપેલુ છે.