બાંગ્લાદેશની ચૂંટણીમાં શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માગણી
- મોહમ્મદ યુનુસની સરકાર દ્વિધામાં
- વિદ્યાર્થી નેતાઓ આવામી લીગ પર પ્રતિબંધ માટે માંગણી કરે છે, જ્યારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પ્રતિબંધનો વિરોધ કરે છે
ઢાકા : બાંગ્લાદેશમાં જાગેલા ભારે, રાજકીય ચક્રવાત પછી રચાયેલી મોહમ્મદ યુનુસની અંતરિમ (વચગાળાની) સરકારે જવાબદારી સંભાળી છે. હવે સ્થિતિ શાંત થતાં દેશમાં સમય પૂર્વે ચૂંટણી યોજવા જઇ રહેલાં દબાણને લીધે યુનુસ સરકાર દ્વિધામાં મુકાઈ ગઇ છે.
જુલાઈ ઓગસ્ટમાં થયેલા રાજકીય ચક્રવાતમાં નેતૃત્વ લેનારા વિદ્યાર્થી નેતાઓ શેખ હસીનાની પાર્ટી આવામી લીગ ઉપર પ્રતિબંધ મુકવાની માગણી કરી રહ્યા છે. તો બીજી તરફ આવામી લીગની પ્રતિસ્પર્ધક પાર્ટી હોવા છતાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી) અને તેના સાથી પક્ષો, આવામી લીગને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકવાનો વિરોધ કરી રહેલ છે, અને કહે છે કે દેશનાં રાજકારણમાં દરેક પક્ષો હોવા જ જોઇએ.
અત્યારે બાંગ્લાદેશમાં આવામી લીગ હજી સૌથી મોટી પાર્ટી છે. તે પછી બી.એન.પી.નું સ્થાન છે. એક તરફ વિદ્યાર્થી નેતાઓ આવામી લીગ પર પ્રતિબંધ મુકવા કહે છે તો બીજી તરફ બી.એન.પી. તેવા પ્રતિબંધનો વિરોધ કરતાં વર્તમાન મોહમ્મદયુનુસની અંતરિમ સરકાર દ્વિધામાં મુકાઈ ગઈ છે. તેવામાં દેશમાં વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવા તેની ઉપર દબાણ થઇ રહ્યું છે.
બીએનપીના મહામંત્રી મિર્ઝા ફખરૂલ ઇસ્લામ આલમગીરે પત્રકારોને જણાવ્યું હતું કે આવામી લીગ પણ એક રાજકીય પક્ષ છે. તે જ નિર્ણય કરસે કે ચૂંટણી લડવી કે નહીં જો કે લોકોની હત્યાઓ કરવા અંગે તેમજ દેશનું ધન લૂંટવા માટે તેમની ઉપર કાનૂની કાર્યવાહી કરવી જ જોઇએ અને તેમને દંડ તથા સજા પણ થવી જોઇએ.
દરમિયાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા ખાલીદા ઝિયા બાંગ્લાદેશના સશસ્ત્ર-સેના દિવસે (બંગ વાહીની દિને) યોજાનારા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ૨૦૧૮માં જેલમાંથી મુક્ત થયા પછી તેઓએ પહેલી જ વાર કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.