અમેરિકામાં મૂળ ભારતીય એન્જિનિયરના મોતમાં FBI તપાસની માંગ, મસ્કે પણ ઉઠાવ્યા સવાલ
Image: Facebook
Suchir Balajis Death: ChatGPT બનાવનાર કંપની OpenAI ના એક પૂર્વ કર્મચારી સુચિર બાલાજીના મોત મુદ્દે સતત સવાલ થઈ રહ્યાં છે. સુચિરના માતા પૂર્ણિમા રામારાવે આ મોતની તપાસ અમેરિકન તપાસ એજન્સી FBI પાસે કરાવવાની માગ કરી છે. આ અંગે એક્સ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપી છે. મસ્કે પણ સુચિર બાલાજીના મોતને આત્મહત્યા ગણાવવા બદલ સવાલ કર્યા છે.
સુચિરના માતા પૂર્ણિમા રામારાવે કહ્યું છે કે 'અધિકારીઓએ ભલે મોતનું કારણ આત્મહત્યા ગણાવ્યું છે પરંતુ આ એક ક્રૂર હત્યા છે.’ એટલું જ નહીં, મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ઘટનાની FBI તપાસની માગ કરી અને લખ્યું કે, ‘અમે એક પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટરને કામ પર રાખ્યા. મોતનું કારણ જાણવા મૃતદેહનું બે વાર પોસ્ટમોર્ટમ કરાવાયું. પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટરનું કહેવું છે કે મોતનું કારણ તે નથી જે પોલીસે આપ્યું છે.’
પોલીસે પ્રાથમિક તપાસમાં મોતનું કારણ આત્મહત્યા ગણાવ્યું હતું. ત્યાર પછી સુચિરના માતા પણ સવાલ કરી રહ્યાં છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, 'સુચિરના એપાર્ટમેન્ટમાં તોડફોડ કરાઈ અને બાથરુમમાં પણ સંઘર્ષના નિશાન છે. લોહીના ડાઘના આધારે એવું લાગી રહ્યું છે કે કોઈએ તેને બાથરૂમમાં માર્યો છે. અમને ન્યાય મેળવવાથી કોઈ રોકી નહીં શકે.'
આ પણ વાંચો: ડુરાન્ડ લાઇન વટાવી પાકિસ્તાનમાં ઘૂસ્યા અફઘાની લડાકુઓ, આમને-સામને હવે આરપારની લડાઈ શરુ
આ પોસ્ટમાં પૂર્ણિમા રામારાવે મસ્ક અને વિવેક રામાસ્વામીને પણ ટેગ કર્યા છે. આ પોસ્ટ પર મસ્કની પણ કમેન્ટ આવી. તેમણે પોસ્ટને શેર કરતાં લખ્યું છે કે, 'સુચિર બાલાજી ChatGPT બનાવનારી કંપની OpenAIમાં કામ કરી ચૂક્યા છે. તેઓ ભારતીય-અમેરિકન મૂળના એન્જિનિયર હતા. OpenAI કંપનીમાં લગભગ 4 વર્ષ વીતાવ્યા બાદ ઓક્ટોબર 2023માં કંપની છોડી દીધી. OpenAI માં સુચિરે કંપનીની ખાસ પ્રોડક્ટ ChatGPT માટે ડેટા કલેક્ટ કરવામાં યોગદાન આપ્યું. તેઓ લોઅર હાઈટ જિલ્લાના બુકાનન સ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. 26 નવેમ્બરે તેમનો મૃતદેહ મળ્યો, પરંતુ મીડિયામાં આ જાણકારી ઘણાં દિવસ પછી આવી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ગરબડના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ આત્મહત્યાનો કેસ હોઈ શકે છે.’
નોંધનીય છે કે, સુચિર બાલાજીએ OpenAI કંપની પર કોપીરાઈટને લગતા નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
સુચિરે OpenAIને લઈને શું કહ્યું હતું?
સુચિર બાલાજીએ એક અંગ્રેજી સમાચાર પત્રને ઈન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેમાં સુચિરે કહ્યું હતું કે, ‘મેં રાજીનામું આપી દીધું કેમ કે હું એવી ટેક્નોલોજીમાં યોગદાન આપવા માગતો નથી, જે સમાજને ફાયદો પહોંચાડવાના બદલે તેને નુકસાન પહોંચાડે છે. જો તમે મારી વાતથી સંમત હોવ, તો તમારે પણ આવી કંપની છોડી દેવી જોઈએ. યુઝર્સની સહમતિથી ડેટા એકત્ર કરનારી કંપનીઓ માટે અને યુઝર્સ માટે OpenAI ના કામ કરવાની રીત જોખમી છે. OpenAI કંપની નિયમોને અવગણીને કંપનીઓ અને લોકોના ડેટાનો ઉપયોગ કરી રહી છે.'
માઈક્રોસોફ્ટ પર પણ કોપીરાઈટ ઉલ્લંઘના આરોપ
OpenAI કંપની અને તેના સૌથી મોટા ઈન્વેસ્ટર માઈક્રોસોફ્ટ પર પણ કોપીરાઈટના ઉલ્લંઘનના આરોપ છે. અનેક મીડિયા હાઉસે પણ આ મામલાને લઈને કેસ નોંધાવ્યા છે. સુચિરે અનેક પત્રકારો, લેખકો અને એન્જિનિયરોના નામ લઈને દાવો કર્યો હતો કે, ‘ChatGPT ઈન્ટરનેટની ઇકો સિસ્ટમ માટે ટકાઉ મોડલ નથી.'
આ ઉપરાંત તેણે OpenAI ની કામ કરવાની રીત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે પણ ટેસ્લા અને SpaceX ના માલિક ઈલોન મસ્કે પ્રતિક્રિયા આપી હતી. એ વખતે મસ્કે તેની સાથે સંકળાયેલા એક સમાચાર પર સોશિયલ મીડિયામાં hmm (અસ્પષ્ટ સહમતિ) લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે મસ્કનો પણ OpenAIના CEO સેમ ઓલ્ટમેનની સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.