અજીબો ગરીબ ટ્રેન્ડ, આ મુસ્લિમ દેશમાં ચૂંટણી વખતે સિગારેટની માંગ વધી જાય છે
Image Source: Freepik
જકાર્તા, તા. 13 ફેબ્રુઆરી 2024
ઈન્ડોનેશિયામાં 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીને લઈને અહીંયા એક આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી નજીક આવતાની સાથે જ અહીંયા કોફી અને સિગારેટની ડીમાન્ડ વધી ગઈ છે. દેશમાં સિગારેટની માંગ એટલી વધી ચુૉૂકી છે કે કંપનીઓને પોતાનુ પ્રોડક્શન વધારવાની ફરજ પડી છે. બેંક ઈન્ડોનેશિયાના ગર્વનર પેરી વારજિયોનુ કહેવુ છે કે, ચૂંટણી આવતાની સાથે જ દેશમાં કેટલીક વસ્તુઓની માંગ વધી જતી હોય છે અને તેમાં સિગારેટ પણ સામેલ છે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન યોજાતી સભાઓમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. આ બેઠકોમાં ઉમેદવારો તેમના કાર્યકરો-શ્રોતાઓ માટે કોફી અને સિગારેટની વ્યવસ્થા કરતા હોય છે.
ઈન્ડોનેશિયામાં સામાન્ય રીતે કોફી અને સિગારેટ એક સાથે પીવામાં આવે છે. 2019ની સામાન્ય ચૂંટણીઓમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તે વખતે ચૂંટણીમાં સિગારેટનું ઉત્પાદન દર મહિને 24.36 અબજ નંગથી વધીને 29.6 અબજ નંગ પર પહોંચી ગયું હતું.
આખી દુનિયા વેલેન્ટાઈન ડે મનાવતી હશે ત્યારે ઈન્ડોનેશિયામાં 14 ફેબ્રુઆરીએ યુવા વોટર પોતાની સરકાર પસંદ કરવા માટે મતદાન કરશે. ઈન્ડોનેશિયામાં 50 ટકા કરતા વધારે મતદારો યુવાન છે. અહીં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પ્રબોવો સુબિયાંતો, ગંજર પ્રણોવો અને અનીસ બાસવેદન એમ ત્રણ ઉમેદવાર વચ્ચે સ્પર્ધા છે.