દિલ્હી-મુંબઈનાં નવા વર્ષની ઉજવણીએ ચીનના ઐતિહાસિક ટ્રાફિક જામની યાદ અપાવી
- ચીન-તિબેટ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો
- ચીનમાં 100 કિ.મી. લાંબો ટ્રાફિક જામ 12 દિવસ સુધી ચાલ્યો હતો, રસ્તા પર જ કામચલાઉ ઘર બનાવવા પડયા હતા
નવી દિલ્હી : દિલ્હીવાસીઓએ અને મુંબઈવાસીઓએ આમ પણ દૈનિક ધોરણે ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હોય છે, તેમા પણ ૨૦૨૪નું યર એન્ડર હોવાથી લગભગ દરેક દિલ્હી કે મુંબઈવાસી જબરજસ્ત ટ્રાફિક જામનો ભોગ બન્યો છે અને કેટલાય કલાકો વેડફાયા હશે. આમ છતાં પણ આ ટ્રાફિક જામ ચીનમાં ૨૦૧૦માં થયેલા ઐતિહાસિક ટ્રાફિકજામની ક્યાંય નજીક ડોકાતો નથી.
સામાન્ય રીતે ટ્રાફિક જામ બિઝનેસ અવર્સ પછી હળવો થઈ જતો હોય છે અને તેથી કોઈ તેમા ફસાય તો એક કે બે કલાક માટે ફસાય, પરંતુ ચીનમાં થયેલા ટ્રાફિક જામમાં લોકો કલાકો નહીં દિવસો સુધી રસ્તા પર ફસાયેલા રહ્યા હતા. આ ટ્રાફિક જામ લગભગ કુલ ૧૨ દિવસ સુધી ચાલ્યો હતો. બૈજિંગ-તિબેટ હાઇવે પરના આ ટ્રાફિક જામના લીધે વાહનોની ૧૦૦ કિ.મી. લાંબી કતાર લાગી ગઈ હતી.
આ જામ ૧૪ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ શરુ થયો. વાસ્તવમાં આ સ્થળે બાંધકામનું કામ ચાલતું હતું અને ત્યાં ભારે વાહનો આવતા જતા હતા. તેના લીધે આ ટ્રાફિક જામ લાગ્યો. મોંગોલિયાથી બૈજિંગ સુધી કોલસો અને બાંધકામ સામગ્રી લાવતી ટ્રકોએ એક્સપ્રેસવે જામ કરી દીધો.
આ દરમિયાન કેટલીક ગાડીઓમાં ખરાબી પણ આવી. આ બધુ એકસાથે બન્યું. તેના લીધે સર્જાયેલા અસાધારણ ટ્રાફિક જામમાં લોકો દિવસોના દિવસો સુધી ફસાયેલા રહ્યા. ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોએ કારમાં જ ખાવુપીવુ અને સૂવુ પડયુ. કેટલાય લોકોએ તો રસ્તા પર જ કામચલાઉ ઘર બનાવી દીધા, કારણ કે આ ટ્રાફિક જામ કેટલા દિવસે ક્લીયર થશે તે ખબર જ ન હતી.
ગાડીઓની લાંબી લાઇનો જોઈને ત્યાં ખાવાપીવાની દુકાન ખોલી દેવાઈ. નાસ્તો, કોલ્ડડ્રિન્ક્સ, નૂડલ્સ અને ખાવાપીવાની બધી વસ્તુ ત્રણથી ચાર ગણા ભાવે વેચાઈ હતી. ગાડીઓમાં ફસાયેલા લોકોએ પીવાનું પાણી દસ ગણો ભાવ ચૂકવી લેવું પડયું હતું.
આ ટ્રાફિક જામ હટાવવા માટે તંત્રએ અન્ય રસ્તાઓ પર ટ્રાફિક અટકાવ્યો હતો. ફસાયેલી ટ્રકો પહેલા દૂર કરાઈ જેથી પ્રવાસ સુગમ થઈ શકે. તેના પછી ટ્રાફિક ક્લિયર થયો હતો.