''શીત-યુધ્ધ'' પછીથી સૌથી મોટી સંરક્ષણ સંધિ રશિયા-ઉ.કોરિયા વચ્ચે સંરક્ષણ કરારો
- રશિયા, ચીન, ઉ.કોરિયા, ઇરાનની ધરી રચાઈ રહી છે
- ઉ.કોરિયાના 12000 સૈનિકો રશિયા પહોંચી ગયા છે આર્ટિલરી, મિસાઈલ્સ અને અન્ય શસ્ત્રોના 13,000 કન્ટેનર્સ પહોંચ્યા છે
સીઉલ : ઉ.કોરિયાએ રશિયા સાથે આજે (મંગળવારે) રશિયા સાથે વિધિવત્ સંરક્ષણ કરારો કર્યા છે. આ માહિતી આપતાં દ.કોરિયા, અમેરિકા અને યુક્રેનનાં જાસૂસી તંત્રો જણાવે છે કે, ઉત્તર કોરિયાએ યુક્રેન સામે લડવા માટે ૧૨૦૦૦ સૈનિકો (એક બ્રિગેડ) રવાના કર્યા છે. ઉપરાંત આર્ટીલરી મિસાઇલ્સ અને પરંપરાગત શસ્ત્રોમાં ૧૩ હજાર કેન્ટેનર્સ રશિયા રવાના કર્યા છે.
ઉક્ત ત્રણે દેશોના જાસૂસી સાધનોએ જણાવ્યું હતું કે વાસ્તવમાં પ્રેસિડેન્ટ પુતિન અને પ્રેસિડેન્ટ કીમ જોંગ-ઉન વચ્ચે આ કરારો જૂન મહિનામાં થયા હતા. તેની માહિતી રહી રહીને મળી છે.
સાધનો જણાવે છે કે, શીત-યુદ્ધ પછીની આ સૌથી મોટી સંરક્ષણ સંધિ છે.
'કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ર્ટનરશીપ' તરીકે ઓળખનારી આ સંધિ ઉપર સોમવારે આખરી સહિ સિક્કા થઈ ગયા હતા. તે પ્રમાણે એક દેશ ઉપર આક્રમણ થાય તો બીજા દેશે તુર્ત જ તેની સહાયે પહોંચી જવું જોઈએ.
આ સંધિ ઉ.કોરિયાની રબ્બર સ્ટેમ્પ સંસદ સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીએ પસાર કરી દીધી છે. તેમ દક્ષિણ કોરિયાની 'યુનિફિકેશન મિનિસ્ટ્રી'એ જણાવ્યું છે. આ સાથે તેવું પણ જાણવા મળ્યું છે કે યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા પણ ટૂંક સમયમાં જોડાશે.
અમેરિકા, દ.કોરિયા અને યુક્રેનનાં જાસૂસી તંત્રોને જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયાના સૈનિકો, રશિયાના સૈનિકોનો જ ગણવેશ પહેરી કુર્કસ વિસ્તારમાં થઈ રહેલાં આક્રમણમાં જોડાયા છે.
પશ્ચિમ અને તેના સાથી દેશો વિચારે છે કે ઉત્તર કોરિયાને આ સહાયના બદલામાં રશિયા શું આપી શકે તે વિચારવા જેવું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત તે છે કે રશિયા ઉત્તર કોરિયા અત્યારે જ આગળ વધી રહેલા ન્યુક્લિયર અને મિસાઈલ્સ કાર્યક્રમને વધુ પ્રબળ અને વધુ ઝડપી બનાવવામાં સંપૂર્ણ સહાય કરશે. તેવી જ રીતે રશિયા તેના અન્ય બિરિયાના તેલ અને ગેસ ઉ.કોરિયાને આપી શકશે.
અમેરિકા અને તેના સભ્ય દેશો હવે તે ચિંતામાં પડી ગયા છે કે ચીન, ઉત્તર કોરિયા, રશિયા અને ઇરાન એક ધરી રચી દેશે તો દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે જર્મની, ઈટાલી અને જાપાનની જેમ ધરી રચાઈ જશે. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જશે ફરી શીતયુદ્ધ સમયની સ્થિતિ ઉપસ્થિત થશે.