પહેલો ઘા રાણાનો... ટ્રમ્પ ટ્રેડ વૉર શરૂ કરે એ પહેલા ચીનનો પ્રહાર, ડીપસીકને કારણે એનવિડિયાની 54 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ
Deep seek News | અમેરિકામાં દાયકો થાયને કોઈને કોઈ મોટો પરપોટો ફૂટતો હોય છે, 2000ની સાલમાં ડોટકોમ પરપોટો ફૂટયો તો 2009ની સાલમાં સબપ્રાઇમ કટોકટી આવી તેના પછી 2020ની સાલમાં કોવિડે ફટકો માર્યો. હવે તેની ઝડપથી વિકસતી એઆઇ ઇન્ડસ્ટ્રીનો પરપોટો ફક્ત એક ચાઇનીઝ એઆઇ એપ્લિકેશન ડીપસિકથી ફૂટી ગયો છે. ચિપ ઉત્પાદક એનવિડીયાના 593 અબજ ડોલર એટલે કે લગભગ 54 લાખ કરોડ રુપિયાનું બજારમૂલ્ય સ્વાહા થઈ ગયું છે. આમ ભારતના એક વર્ષના 50 લાખ કરોડના બજેટ કરતાં પણ વધુ મૂલ્ય એક જ દિવસમાં ખતમ થઈ ગયું છે. એનવિડીયાના શેરે લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે તેના સપ્લાયર એડવાન્ટેસ્ટનો શેર જાપાનમાં મંગળવારે દસ ટકા ઘટયો હતો.
એઆઇની સમર્થક સોફ્ટબેન્કનો શેર પણ 5.5 ટકા ઘટયો હતો. જ્યારે ડેટા સેન્ટર કેબલ ઉત્પાદક ફુરુકાવાનો ઇલેક્ટ્રિકનો શેર 8 ટકા ઘટયો હતો. સોફ્ટબેન્ક બે દિવસમાં 13 ટકા અને ફુરુકાવા 20 ટકા ઘટયો છે. ઓસ્ટ્રેલિયામાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જ્યારે ટેકસાવી તાઇવાન અને સાઉથ કોરીયામાં રજા હતી. જાપાનની સોફ્ટબેન્કનો શેર મંગળવારે પણ 5.5 ટકા ઘટયો છે. આશ્ચર્યની વાત એ છે કે ડીપસીકે તેની એઆઇ એપ્લિકેશન બનાવવા માટે એનવિડીયાની જ 50 હજારથી વધારે ચિપ્સનો ઉપયોગ કર્યો છે. 'ડીપસીક' લોન્ચ થયા પછી સોમવારે અમેરિકાનું ટેકનોલોજી સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતો નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 3.1 ટકા તૂટયો હતો અને અને એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સ 1.3 ઘટયો હતો. એનવિડીયા મેટા (ફેસબૂક), આલ્ફાબેટ (ગૂગલ) અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો કે અમેરિકામાં જે ઘટાડો થયો તે ટેકનોલોજી સેક્ટર પૂરતો જ મર્યાદિત હતો. નાસ્ડેક 613 પોઇન્ટ ઘટયો હતો. પણ અમેરિકન બજાર 289 પોઇન્ટ વધીને બંધ આવ્યું હતું.
મેરિકાનું આધિપત્ય ધરાવતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સેક્ટરમાં ચેટજીપીટી સહિતનાને ટક્કર આપતા ચાઈનીઝ કંપનીના ડીપસીકે પ્લેટફોર્મે વિશ્વના ટોચના ધનકુબેરોની સંપત્તિમાં આગ લગાવી દીધી છે. સોમવાર,27 જાન્યુઆરીના રોજ વિશ્વના 500 સૌથી ધનિક લોકોની સંપત્તિમાં એક જ ઝટકામાં ૧૦૮ બિલિયન ડોલર એટલેકે લગભગ 9.3 લાખ કરોડ રૂપિયાનો મસમોટો ઘટાડો થયો છે. આ ઘટાડો ચીનના નવા મોડેલ ડીપસીકને કારણે થયો છે. લોન્ચિંગની સાથે ડીપસીક વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્લિકેશન બની ગઈ છે.
એનવિડીયાના સહ-સ્થાપક જેન્સન હુઆંગની સંપત્તિમાં 20 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો અને તેમની કુલ સંપત્તિ 20.1 અબજ ડોલર ઘટી ગઈ છે. જોકે, નેટવર્થની દ્રષ્ટિએ સૌથી વધુ નુકસાન ઓરેકલના લેરી એલિસનને થયું છે, જેમની સંપત્તિમાં 22.6 અબજ ડોલરનો ઘટાડો થયો. આ ધોવાણ તેમની કુલ સંપત્તિના 12 ટકા આસપાસ છે. આ ઉપરાંત, ડેલના સ્થાપક માઈકલ ડેલે એક જ દિવસમાં 13 અબજ ડોલર અને બાઈનાન્સના સહ-સ્થાપક ચાંગપેંગ ઝાઓએ 12.1અબજ ડોલર ગુમાવ્યા છે. માત્ર એક જ દિવસમાં, ટેક ક્ષેત્રના અબજોપતિઓની કુલ સંપત્તિમાં જ 94 અબજ ડોલરનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.
ચીનની અત્યંત નીચા ભાવની એઆઈ એપ્લિકેશનના લીધે એઆઇમાં આગેવાની લેવાની અમેરિકાની મુરાદને મોટો ફટકો ફડયો છે. આખા વિશ્વમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાના બણગા ફૂંકનારા અમેરિકાએ હવે પોતાનું એઆઇ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા માટે પણ ચીનની સસ્તી એપ્લિકેશનની મદદ લેવી પડે તેવી સ્થિતિ આવી પડી છે. તેના લીધે એઆઈ ટેકનોલોજીમાં અબજોના અબજો ડોલરનું આંધણ કરનારી અને રોકાણ કરનારી તથા ફૂલીને ફુગ્ગા જેવી થઈ ગયેલા એઆઇ સ્ટોક્સનો પરપોટો ફૂટયો છે. હવે આ શેરો તેની વાસ્તવિક સપાટી શોધી રહ્યા છે. સોમવારના કડાકા પછી મંગળવારે અમેરિકન બજારે ડીપ સીકની ડીપ ઇમ્પેક્ટ પચાવી લીધી હતી અને પ્રમાણમાં સ્થિર કામગીરી દર્શાવી રહ્યુ હતુ.
આમ ટ્રમ્પ ચીનની આયાતો પર આર્થિક પ્રતિબંધ લાદીને ફટકો મારે તેટલો જ ફટકો ચીનની એક કંપનીએ તેને એક જ દિવસમાં મારી દીધો છે. ટ્રમ્પે ચીનની આયાત પર પહેલી ફેબુ્રઆરીથી ૨૫ ટકા વેરો લાદવાનું જણાવી દીધું છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં આવેલો આ કડાકો ચીનને પરોક્ષ રીતે અમેરિકાને જવાબ છે કે ટેકનોલોજીમાં પણ અમે તમારાથી આગળ છીએ અને અમેરિકાની મૂડીવાદી ચાલનો જવાબ મૂડીવાદની જ ભાષામાં આપવા સક્ષમ છીએ, પછી અમે ભલે સામ્યવાદી હોઈએ. આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પ ચીનને આર્થિક ફટકો મારે ત્યારે ચીનને જે નુકસાન વર્ષમાં થવાનું હતું તેનાથી પણ વધારે નુકસાન અમેરિકાને એક દિવસમાં થઈ ચૂક્યું છે. આના લીધે ટ્રમ્પે કહેવું પડયું છે કે તે આને પોઝિટિવ રીતે જુએ છે. આ બતાવે છે કે આના લીધે હવે એઆઈ સોલ્યુશન્સમાં અબજો ડોલરનું રોકાણ કરવું નહીં પડે. અમેરિકન ટેક કંપનીઓએ આ બાબતને હવે એક પડકાર તરીકે લેવી જોઈએ. ટ્રમ્પ ટ્રેડ વોર શરૂ કરે તે પહેલા જ ચીને તેની સામે ટેક-વોરનો પ્રારંભ કરી દીધો છે.