દેવામાં ગળાડૂબ માલદીવ : મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ : ચીનનું પૂંછડું પકડનારા મુઈજ્જ ઉપર રોજ નવી આફત
- 'રૂફીયા' ખાતા દ્વારા ડોલરનું એક્સચેજ જ બંધ કરાયું છે
- ચીને પહેલા સહાય કરી હવે રૂફીયા પાછા માગે છે, આઈએમએફે ચીન પાસેથી વધુ કરજ લેવા સામે મુઇજ્જુને પહેલા જ ચેતવ્યા હતા
નવી દિલ્હી : માલદીવ અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશ પર વધતા જતા દેવાએ તેના અર્થતંત્રને ગંભીર વળાંક પર મુકી દીધું છે. મુઈજ્જુ સરકાર સત્તા ઉપર આવ્યા પછી દેશની સ્થિતિ બેહાલ થઈ ગઈ છે. તેના રૂફીયાનું કોઈ મૂલ્ય જ રહ્યું નથી. પ્રમુખ મુઇજ્જીને ચીનનું પૂંછડુ પકડનાર માનવામાં આવે છે. અનેક નિર્ણયો ચીનના કહેવા પ્રમાણે જ લેવામાં આવે છે. તે બરોબર આર્થિક સંકટમાં ફસાયું છે તે જાણી ચીન તેને ધીરાણો આપતું જાય છે તે સાથે તેનું અર્થતંત્ર સતત નબળું પડતું જાય છે.
ચીન પાસેથી વધુ પડતી લોન લેવા સામે આઈએમએફે મુઈજ્જુને ચેતવ્યા પણ હતા. આ વર્ષના પ્રારંભે જ આઈએમએફે માલદીવને કહ્યું હતું કે, ચીન પાસેથી વધુ પડતું કર્જ લેવું તે તેના અર્થતંત્ર માટે ઘાતક થઈ પડશે.
આઈ.એમ.એફે. તેમ પણ કહ્યું હતું કે, અર્થતંત્રને પાટે ચઢાવવું હોય તો ખર્ચમાં કાપ મુકવો પડે, મહેસૂલ વધારવી પડે અને વિદેશી ઉધારી ઘટાડી નાખવી પડે.
અત્યારે તો માલદીવ ઉપર રોજ ને રોજ નવી આફત ઊભી થતી જાય છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ફીંચે તેનું ક્રેડિટ રેટિંગ ઘટાડી CC કરી નાખ્યું છે. આથી લાગે છે કે વિદેશી કરજ ચુકવવાની તેની ક્ષમતા શંકાસ્પદ બની રહી છે.
આ પૂર્વે તો જૂન માસમાં તો તેનું ક્રેડીટ રેટિંગ છેક નીચે ઉતરી CCC+ પહોંચી ગયું હતું. પરંતુ પર્યટકો આવતા થોડી વિદેશ-મુદ્રાની આવક વધી હતી. તેથી રેટિંગ જરાક ઉંચુ જઈ ભભ પહોંચ્યું પરંતુ તે પણ દેશના અર્થતંત્રની બિસ્માર હાલત દર્શાવે છે.
ફીંચે કહ્યું છે કે, વિદેશી રોકાણ ઘટી રહ્યું છે. આયાત ખર્ચ વધી રહ્યો છે. ડોલરની ખેંચ ઉભી થઈ છે. આર્થિક સ્થિરતા એટલી ખરાબ છે કે બેંક ઓફ માલદીવ્સે રૂફીયા ખાતા દ્વારા ડોલરની લેતી-દેતી જ બંધ કરી દીધી છે. બેંકીંગ પ્રણાલિકા જ સંકટમાં આવી પડી છે.