હિજાબ નહીં પહેરો તો થશે મૃત્યુદંડ', ઈરાને બનાવ્યો ખતરનાક કાયદો, 2 વર્ષ પહેલાં થયો હતો બળવો
Image Source: Twitter
Iran new laws For Hijab: પોતાના ખતરનાક કાયદાઓને લઈને ચર્ચામાં રહેતા ઈરાને હિજાબને લઈને નવો કાયદો બનાવ્યો છે, જેના પર હવે વિવાદ છેડાઈ ગયો છે. આ કાયદા હેઠળ હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરનાર મહિલાઓને મૃત્યુદંડ પણ આપવામાં આવી શકે છે. ઈરાનના નવા કાયદાની કલમ 60 હેઠળ આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને દંડ, કોરડા અથવા સખત જેલની સજા થઈ શકે છે. એકથી વધુ વખત અપરાધ કરનારને 15 વર્ષ સુધીની જેલ અથવા તો મૃત્યુદંડની સજા થઈ શકે છે. ઈરાનના અધિકારીઓએ દેશના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરતી મહિલાઓ માટે વિવાદાસ્પદ હિજાબ ક્લિનિક ખોલવાનું પણ એલાન કર્યું છે.
એક અહેવાલ પ્રમાણે વિદેશી મીડિયા અથવા સંગઠનોમાં હિજાબ વિરોધી વિચારોને પ્રોત્સાહન આપતા આરોપીઓને 10 વર્ષ સુધીની જેલની સજા મળશે. આ સાથે જ 12,500 પાઉન્ડ સુધીનો દંડ પણ ચૂકવવો પડી શકે છે. આ ઉપરાંત કાયદાનું ઉલ્લંઘન કરતી મહિલાઓની ધરપકડમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરનારા લોકોને પણ છોડવામાં નહીં આવે. ઈરાનની સરકાર આવા લોકોને સીધા જેલ હવાલે કરી શકે છે.
કાયદાનો હેતુ હિજાબ સંસ્કૃતિની પવિત્રતા જાળવી રાખવાનો છે
ઈરાને જણાવ્યું કે, આ કાયદાનો હેતુ હિજાબ સંસ્કૃતિની પવિત્રતા જાળવી રાખવાનો છે. ઈરાને કહ્યું કે, યોગ્ય કપડાં ન પહેરવા, નગ્નતાને પ્રોત્સાહન આપવું અથવા ચહેરો ઢાંકવાનો વિરોધ કરનારને સખત સજા ફટકારવામાં આવશે. નોંધનીય છે કે 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાને મહિલાઓને જાહેર સ્થળો પર વાળ ઢાંકવાનો કાયદો લાગુ કર્યો હતો. 2022માં આ કાયદા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.
આ પણ વાંચો: આતંકી પન્નુ વિશે માહિતી આપવાનો અમેરિકાનો ઈનકાર, ભારત સાથે મિત્રતાની ખાલી વાતો
2022માં હિજાબના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થયા હતા
ઈરાનમાં 16 સપ્ટેમ્બર 2022ના રોજ 22 વર્ષીય કુર્દ મહિલા મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. મહસાની તેહરાનમાં તહેનાત મોરલ પોલીસે દેશના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી. તેના મૃત્યુ બાદ દેશભરમાં વિરોધ શરુ થયો હતો. આ પ્રદર્શનોમાં ઘણા સુરક્ષાકર્મીઓ સહિત સેંકડો લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે ઈરાન સરકારે આ પ્રદર્શનોને રોકવા માટે હજારો વિરોધીઓની ધરપકડ કરી હતી. હવે વિરોધના બે વર્ષ બાદ પહેલાં કરતાં પણ વધુ કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે.