અત્યાર સુધીની સૌથી લોહિયાળ ચૂંટણી, 800 લોકોની હત્યા થઈ હતી અને 65 હજાર બેઘર થયા હતા...
એપ્રિલ 2011 માં ગુડલક જોનાથન નાઈજિરિયાની ચૂંટણીમાં ફરીથી રાષ્ટ્રપતિ બન્યા
ગુડલકના જીત્યા પછી 3 દિવસ સુધી દેશમાં મોટી હિંસા ફાટી નીકળ્યાના થોડા જ સમયમાં કોમી હિંસાનું સ્વરૂપ ધારણ કર્યુ હતું
The Bloodiest Election Ever in the World: ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ભારતમાં લોકસભા ચૂંટણી 2024 વિશે જાહેરાત કરતાં કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી તા. 19 એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં યોજાશે અને તેનું પરિણામ ચોથી જૂને જાહેર થશે. આ સમયગાળામાં દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ રહેશે. જો કોઈ રાજકીય પક્ષ, નેતા, ઉમેદવાર કે કોઈ સામાન્ય માણસ આચારસંહિતાનો ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનરનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ધાર્મિક, જાતિ અથવા કોઈ પણ પ્રકારની હિંસા ભડકે તેવા મેસેજ પોસ્ટ કરશે, તો તેની વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. તો ચાલો આજે વાત કરીએ, અત્યાર સુધીની સૌથી લોહિયાળ ચૂંટણીની...
65,000થી વધુ લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા હતા
વિશ્વભરમાં ચૂંટણી પ્રચાર અને મતદાન દરમિયાન અને પછી હિંસાનો એક લાંબો ઈતિહાસ રહેલો છે. હ્યુમન રાઈટ્સ વોચના રિપોર્ટ પ્રમાણે, વિશ્વમાં સૌથી લોહિયાળ ચૂંટણી 2011માં થઈ હતી. હકીકતમાં એપ્રિલ 2011માં ગુડલક જોનાથન નાઈજિરિયાની ચૂંટણીમાં ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા. નાઈજિરિયાની ચૂંટણીના ઈતિહાસમાં આ સૌથી નિષ્પક્ષ ચૂંટણી મનાતી હતી, પરંતુ તેઓ જીત્યાના ત્રણ દિવસ પછી દેશમાં એટલી હિંસા ફાટી નીકળી હતી કે, સમગ્ર વિશ્વ તેને જોઈને ચોંકી ગયું. ચૂંટણી પછીની આ હિંસામાં લગભગ 800થી વધુ લોકોની હત્યા થઈ હતી, જ્યારે 65,000થી વધુ લોકો પોતાનું ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા.
ચૂંટણી પછી કેવી રીતે હિંસા ફાટી નીકળી
ગુડલક જોનાથનના મુખ્ય હરીફ ભૂતપૂર્વ લશ્કરી શાસક મુહમ્મદ બુહારીની હારને મુસ્લિમ સમુદાયના લોકો પચાવી ન શક્યા. તેઓએ તેમના નેતાની હાર સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો. બુહારીની કોંગ્રેસ ફોર પ્રોગ્રેસિવ ચેન્જ પાર્ટી અથવા સીપીસી કેટલાક વિસ્તારોમાં ફરી નવેસરથી ચૂંટણીની માંગ સાથે કોર્ટમાં ગઈ હતી. અમેરિકન અધિકાર જૂથના પશ્ચિમ આફ્રિકાના સંશોધક કોરીન ડુફકાએ જણાવ્યું હતું, કે એપ્રિલની ચૂંટણીઓ નાઈજિરિયાના ઇતિહાસમાં સૌથી નિષ્પક્ષ ચૂંટણીઓમાંની એક જાહેર કરવામા આવી હતી, પરંતુ તે સૌથી લોહિયાળમાં પણ એક રહી હતી. હકીકતમાં નાઈજીરિયામાં દક્ષિણના ક્રિશ્ચિયન ગુડલક જોનાથનને વિજેતા જાહેર કર્યા બાદ મુસ્લિમો ગુસ્સે ભરાયા હતા. જેના કારણે દેશના ઉત્તરી ભાગમાં મોટાપાયે રમખાણો ફાટી નીકળ્યા હતા.
આ રમખાણોમાં ઘર, દુકાન,ચર્ચ, મસ્જિદ બાળી નાખ્યા
બુહારીની હારને મુસ્લિમ સમુદાયના લોકો પચાવી ન શક્યા તેથી ગુસ્સે થઈને મુસ્લિમોએ ખ્રિસ્તી ઘરો, દુકાનો અને ચર્ચોને બાળી નાખ્યા. ચૂંટણી હિંસા તરીકે શરૂ થયેલા રમખાણોએ થોડા કલાકોમાં કોમી રમખાણોનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સતત હિંસા વધતા ખ્રિસ્તી સમુદાયના લોકો પણ ગુસ્સે થયા અને તેની પ્રતિક્રિયા રૂપે તેઓએ પણ મુસ્લિમોના ઘર, દુકાનો અને મસ્જિદો પણ સળગાવી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. રમખાણો શાંત થયા પછી જોનાથને હિંસાની તપાસ માટે ધાર્મિક નેતાઓ, પરંપરાગત શાસકો અને વકીલોની એક પેનલની બનાવી હતી. આ ઘટનામાં બુહારીના સમર્થકોએ નિવેદન આપતાં કહ્યું કે, 16 એપ્રિલ, 2011ની ચૂંટણી પછી થયેલા રમખાણોને કોઈએ ઉશ્કેર્યા નહોતા. ત્યારે જોનાથનનો સત્તાપક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અથવા પીડીપીએ તેના વિરોધીઓને આ હિંસા માટે દોષીત ઠેરવ્યા હતા.
નેતાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો પણ
એ સમયે પીડીપીએ કહ્યું હતું કે, ચૂંટણી પછી આ સુનિયોજિત રીતે આ હિંસાને અંજામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને એ વિસ્તારોમાં ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં બુહારીની સીપીસી પાર્ટીને મોટી જીત મેળવી હતી. ગુડલકની જીત પછી સીપીસીના નેતાઓએ પણ ઉશ્કેરણીજનક ભાષણો કર્યો હતા. આ સાથે તેમણે તેમના સમુદાયના લોકોને સૂચનાઓ પણ આપી હતી, જેના કારણે હિંસા વધુ ભડકી હતી. આ ચૂંટણીમાં ગુડલક જોનાથનને 59 ટકા વોટ મળ્યા છે. જ્યારે બુહારીને 32 ટકા જ વોટ મળ્યા હતા. એ પછી ગુડલુકે રાજકીય હિંસા રોકવા માટે સ્થાનિક લોકતાંત્રિક સંસ્થાઓને ખૂબ મજબૂત બનાવી હતી.
500 લોકોને અટકાયત કરવામાં આવી હતી
હિંસાની તપાસ દરમિયાન ઉત્તરના રાજ્યોમાંથી 500 લોકોની અટકાયત કરી તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. હ્યુમન રાઈટ્સ વોચના રિપોર્ટ પ્રમાણે દક્ષિણના રાજ્યો પણ આ હિંસાની અસર થઈ હતી. દક્ષિણના જાતીય સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં મુજબ, આ હિંસાનો સંબંધ સંસાધનોને લઈને ચાલી રહેલી હરીફાઈ અને નાગરિકતા નીતિ જેવી સમસ્યાઓ સાથે જોડાયેલો હતો. આ હિંસાની ઝપેટમાં રાષ્ટ્રીય યુવા સંગઠનના સભ્યો પણ આવ્યા હતા. અને તેમની દેખરેખમાં નાઈજિરિયાની ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત, જે લોકોએ રમખાણોથી બચવા માટે પોલીસ સ્ટેશનનો સહારો લીધો હતો, તેમાથી કેટલાક લોકો પર બળાત્કાર કરી તેમની હત્યા કરવામાં આવી હતી.
'પોલીસ રેકોર્ડ સારો નથી'
હ્યુમન રાઈટ્સ વોચે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "આ પહેલા પણ ભૂતકાળમાં આવી હિંસાઓ મામલે પોલીસ અને સરકારી વકીલોએ આવા કેસમાં ભાગ્યે જ કોઈને સજા કરી હતી. સંગઠને એમ પણ કહ્યું હતું કે, આ મામલે વહીવટીતંત્રનો રેકોર્ડ પણ સારો નથી. સુરક્ષા દળોમાં કેટલોક સુધારો થયો છે, પરંતુ પોલીસમાં હજુ સુધારો કરવાની તાતી જરુર છે. જો કે, સેનાએ આ ઘટનાઓને કાબુમાં રાખવા જોરદાર પ્રયાસ કર્યા હતા."