નેપાળમાં એક મહિનાથી બંધક બનાવાયેલા 11 ભારતીયોને પોલીસે મુક્ત કરાવ્યા, સાત ભારતીય એજન્ટોની ધરપકડ
નવી દિલ્હી,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
પાડોશી દેશ નેપાળમાં બંધક બનાવવામાં આવેલા 11 ભારતીયોને આખરે મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી છે. આ મામલામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવુ કહેવાય છે કે, ભારતીયોને અમેરિકા મોકલવાના નામ પર નેપાળ બોલાવીને એક મહિનાથી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. તેમની પાસે પગાર વગર કામ કરાવવામાં આવતુ હતુ અને તેમને યાતનાઓ પણ અપાઈ રહી હતી.
કાઠમંડુ પોલીસના કહેવા પ્રમાણે ભારતીયોને બંધક બનાવનારા સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ભારતીય એજન્ટો છે.જે વિદેશમાં મોટી કમાણી થશે તેવી લાલચ આપીને લોકોને ફસાવતા હતા અને તેમની પાસેથી તગડી રકમ વસુલતા હતા. વિદેશ મોકલવાના નામે તેઓ પહેલા લોકોને નેપાળ બોલાવતા હતા અને બાદમાં બંધક બનાવીને તેમનુ શોષણ કરતા હતા.
પોલીસે કહ્યુ છે કે, કાઠમંડુની બહારના વિસ્તારમાં અગિયાર ભારતીયોને એક મહિનાથી કેદમાં રખાયા હતા. આ માટે એજન્ટોએ એક ઘર ભાડે રાખ્યુ હતુ. પોલીસને આ બાબતની જાણકારી મળ્યા બાદ એક વિશેષ ટીમે ઓપરેશન હાથ ધરીને ભારતીય નાગરિકોને છોડાવી લીધા હતા. હવે આ નાગરિકોને ભારત મોકલવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.