પાકિસ્તાનઃ સોશિયલ મીડિયા પર ડાન્સ કરતો વિડિયો પોસ્ટ કરવા બદલ 18 વર્ષની યુવતીની હત્યા
ઈસ્લામાબાદ,તા.28.નવેમ્બર.2023
પાકિસ્તાનમાં આવેલા કોહિસ્તાન વિસ્તારમાં 18 વર્ષની એક યુવતીની કટ્ટરવાદીઓએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.આ યુવતીનો વાંક એટલો જ હતો કે, તેણે પોતાની ડાન્સ કરતી કેટલીક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
આ તસવીરોમાં તે પોતાનો મિત્રો સાથે નજરે પડી રહી હતી.જેમાં કેટલાક સ્થાનિક યુવકો પણ હતા.મરનાર યુવતીની સાથે અન્ય એક યુવતી પણ હતી.આ તમામ યુવક યુવતીઓ ડાન્સ કરી રહ્યા હતા અને તેના ફોટા તેમજ વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.
આમ તો આ બહુ સ્વાભાવિક વાત છે.દુનિયામાં કરોડો લોકો રોજ પોતાના આ પ્રકારના ફોટા સોશિયલ મીડિયા પર મુકતા હોય છે પણ સરપંચોના જિરગા તરીકે ઓળખતા સમૂહને આ વિડિયો તેમજ તસવીરો સામે વાંધો પડી ગયો હતો.તેમણે વિડિયોમાં દેખાતી યુવતીઓની હત્યાનો આદેશ આપ્યો હતો અને એ પછી એક યુવતીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.અન્ય યુવતીને પોલીસે જેમ તેમ કરીને બચલાવી લીધી હતી.
પોલીસનુ કહેવુ હતુ કે, વિડિયોમાં દેખાતા યુવકોએ સંતાઈ જઈને પોતાનો જીવ બચાવ્યો હતો.વિડિયોમાં દેખાત યુવક અને યુવતીઓને જિરગા સમૂહે ચોર ગણાવ્યા હતા અને તેમની હત્યા કરવા માટેનો આદેશ આપ્યો હતો.હત્યા કરનારાઓની ધરપકડ માટે પોલીસ દોડધામ કરી રહી છે.યુવતીની હત્યામાં તેના કેટલાક સબંધીઓ સામેલ હોવાની પણ આશંકા છે.કારણકે આ વિસ્તારમાં મહિલાઓની ડાન્સ કરતી તસવીરો જાહેર કરવી સામાજિક રીતે સાંખી લેવાતુ નથી
પાકિસ્તાનમાં આ પ્રકારની પહેલી ઘટના નથી.2011માં પણ આ જ રીતે સરપંચોના સમૂહે આપેલા આદેશ બાદ પાંચ યુવતીઓની હત્યા કરી દેવાઈ હતી.