Get The App

અમેરિકામાં હેલેન વાવાઝોડાંથી 2600 કરોડ ડોલર સુધીનું નુકસાન

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં હેલેન વાવાઝોડાંથી 2600 કરોડ ડોલર સુધીનું નુકસાન 1 - image


- હેલેન વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને 53 થયો

- એટલાન્ટામાં 11.11 ઈંચ વરસાદ ખાબક્યો, બચાવ કામગીરી માટે 1500 કર્મચારીઓ તૈનાત

પેરી (ફ્લોરિડા) : ચક્રવાતી વાવાઝોડાં હેલેને ફ્લોરિડા અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાંના કારણે કુલ મૃત્યુઆંક વધીને ૫૩થયો છે. તિવ્ર ગતિએ ફૂંકાતા પવને અનેક મકાનો તોડી પાડયા હતા. બીજીબાજુ બચાવ કર્મચારીઓએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. મૂડીસના વિશ્લેષકો મુજબ વાવાઝોડાંના કારણે ૧૫ અબજ યુએસ ડોલરથી ૨૬ અબજ યુએસ ડોલર સુધીનું નુકસાન થયું હોવાની આશંકા છે.

કેટેગરી-૪નું ચક્રવાતી વાવાઝોડું હેલેન પસાર થતાં ફ્લોરિડા, જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના તથા વર્જિનિયામાં ઉત્તર-પૂર્વ ટેનેસી સુધી તૂટી પડેલા મકાનોનો કાટમાળ ફેલાયેલો હતો. અહીં અત્યંત જોખમી બચાવ અભિયાન હાથ ધરતા યુનિકોઈ કાઉન્ટી હોસ્પિટલની છત પરથી હેલિકોપ્ટર દ્વારા ૫૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય ન્યૂપોર્ટ, ટેનેસી જેવા શહેરોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચક્રવાતી વાવાઝોડું નેશ કાઉન્ટી, ઉત્તર કેરોલિના સહિત કેટલાક વિસ્તારોમાં ત્રાટક્યું હતું.

ચક્રવાતી વાવાઝોડાંના કારણે એટલાન્ટામાં ૪૮ કલાકમાં ૨૮.૨૪ સેમી (૧૧.૧૧ ઈંચ) વરસાદ ખાબક્યો હતો, જે વર્ષ ૧૮૭૮ પછી એટલાન્ટામાં સૌથી વધુ વરસાદ પડયો છે. જ્યોર્જિયાની ઓફિસે જણાવ્યું હતું કે, રાજ્યમાં અગાઉ ૧૮૮૬માં ૨૪.૩૬ સેમી (૯.૫૬ ઈંચ) વરસાદ પડયો હતો. ક્લાઈમેટ ચેન્જના કારણે અમેરિકામાં પરિસ્થિતિ વધુ કથળી રહી છે. ગરમ પાણી ઝડપથી શક્તિશાળી વાવાઝોડાંમાં પરિવર્તિત થાય છે. પ્રમુખ જો બાઈડને કહ્યું, તેમણે ૧૫૦૦ બચાવ કર્મચારીઓને તૈનાત કર્યા છે. ફ્લોરિડા, જ્યોર્જિયા અને કેરોલિનામાં તોફાનના કારણે અંદાજે ૩૫ લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.


Google NewsGoogle News