VIDEO : ચેક ગણરાજ્યના પ્રાગમાં અંધાધૂધ ફાયરિંગ, હુમલાખોર સહિત 10ના મોત, 30ને ઈજા
રાજધાનીની જાન પલાચ સ્ક્રાયરની એક સ્કુલમાં ફાયરિંગની ઘટના બની, ઈજાગ્રસ્તોમાં 9ની હાલત ગંભીર
વડાપ્રધાન પેટ્ર ફિયાલાએ તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરી પ્રાગ પરત ફર્યા, પોલીસનો કાફલો તૈનાત
પ્રાગ, તા.21 નવેમ્બર-2023, ગુરુવાર
Czech Republic Mass Shooting : યુરોપિયન દેશ ચેક રિપબ્લિક આજે અંધાધૂધ ફાયરિંગની ઘટના બની છે, જેમાં હુમલાખોર સહિત 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવા છે. હુમલાખોરો ફાયરિંગ કરતાં જ લોકોમાં ભારે નાસભાગ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે તમામ લોકોને દુર હટવા કહ્યું છે, જ્યારે વડાપ્રધાન પેટ્ર ફિયાલા (Petr Fiala)એ તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરી પ્રાગ પરત ફર્યા છે. ફાયરિંગની ઘટના બાદ ચેક પોલીસ અને શહેરની બચાવ ટીમે જણાવ્યું કે, રાજધાની પ્રાંગમાં ગોળીબારમાં 10ના મોત થયા છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ કરનાર હુમલાખોરને પણ ઠાર કરાયો છે.
ઈજાગ્રસ્તોમાં 9ની હાલત ગંભીર
હાલ ઘટના સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. મોટીસંખ્યામાં એમ્બ્યુલન્સની ટીમો પણ આવી પહોંચી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી રહી છે. પોલીસ હાલ હુમલા અંગે તપાસ કરી છે. જોકે હુમલો કયા કારણોસર કરાયો, તેની માહિતી હજુ સામે આવી નથી. પોલીસે જણાવ્યું કે, જાન પલાચ સ્ક્રાયર (Jan Palach Square)ની એક સ્કુલમાં ગોળીબારની ઘટનાના કારણે પોલીસ અધિકારીઓને તૈનાત કરાયા છે. ચેકના ગૃહમંત્રી વિટ રાકુસન (Vit Rakusan)એ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોમાં 9 લોકો ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે.