જાપાન પર શક્તિશાળી વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં, પૂરનો ખતરો, અનેક ફ્લાઈટો રદ, આઠ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા
બપોરે ૨ વાગ્યા સુધીમાં યાકુશિમા ટાપુથી ૭૦ કિમી દૂર હતું
૨૧૯ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાણો રદ કરવામાં આવી છે.
ટોક્યો, 28 ઓગસ્ટ, 2024,બુધવાર
જાપાનમાં 250 કિમીની ઝડપે સાનસાન નામનું ચક્રવાત દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહયું છે. તોફાનના કેન્દ્રમા શકિતશાળી આંધીથી ભારે નુકસાન થવાની શકયતા છે. જાપાનની મૌસમ વિજ્ઞાાન એજન્સી કાગોશિમા પ્રીફેકચરમાં ભારે પવનના લીધે દરિયાના મોજાની ઉંચી લહેરો ઉઠશે એવી ચેતવણી બહાર પાડવામાં આવી છે. બુધવાર રાત્રી દરમિયાન કાગોશિમી અને પ્રીફેકચર મિયાજાકિમાં ભારે વરસાદથી પૂરનો ખતરો વધશે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનના પશ્ચિમી અને પૂર્વી ભાગોમાં સ્થાનીય સ્તરે ભારે વરસાદ થઇ રહયો છે પરંતુ તે વિસ્તારો હજુ તોફાનના ઘેરાવાથી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટાયફૂન બપોરે ૨ વાગ્યા સુધીમાં યાકુશિમા ટાપુથી 70 કિમી દૂર હતું. હવામાન અધિકારીઓએ નદીઓમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોને બચવાની ચેતવણી આપી છે.
સાનસાન તોફાન ગુરુવાર સુધી કયૂશૂ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી વધુ શકિતશાળી બની જાય તેવી શકયતા છે. 24 કલાક દરમિયાન દક્ષિણ કયૂશૂમાં ૬૦૦ મિમી,ઉત્તરી કયૂશૂ અને શિકોકુમાં 300 મિમી,આમામિ અને તોકાડ ક્ષેત્રમાં 250 મિમી તથા કાંસાઇમાં 150 મિમી સુધી વરસાદ થવાની શકયતા છે. તોફાનની તિવ્રતાનું પ્રમાણ જોતા સરકારી આદેશ અનુસાર 219 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાણો રદ કરવામાં આવી છે.
જાણીતી કાર નિર્માતા કંપનીએ પણ પોતાના કારખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકાર કાગોશિમા અને મિયાજાકી પ્રાંતોમાંથી ૮ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે એટલું જ નહી રાજધાની ટોકયો સુધી રેલ, બુલેટ ટ્રેન અને પોસ્ટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાપાન વારંવાર ચક્રવાતી તોફાનોનો ભોગ બનતું રહે છે. થોડાક સમય પહેલા એમ્પિલ ચક્રવાતે કાંઠા વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. અનેક શહેરોમાં બ્લેક આઉટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.